નેશનલ મેડિકલ કમિશન (NMC) એ એક નોટિફિકેશનના માધ્યમથી દેશભરમાં લાગુ કર્યો નવો નિયમ

By: nationgujarat
11 Aug, 2023

ડૉક્ટરો હવે હિંસક રોગીની સારવાર કરવાથી ઈનકાર કરી શકશે. તેની સાથે જ કોઈ પણ દવા કંપનીની જાહેરાત નહીં કરી શકે. જો કોઈ એવો મામલો સામે આવશે તો તેમના લાયસન્સ રદ કરવામાં આવી શકે છે. આ નવો નિયમ નેશનલ મેડિકલ કમિશન (NMC) એ એક નોટિફિકેશનના માધ્યમથી દેશભરમાં લાગુ કર્યો છે.

શું છે નવો નિયમ? 

આ નિયમ હેઠળ ડૉક્ટરો હિંસક રોગીને સારવાર આપવાની ના પાડી શકે છે પણ ડૉક્ટરે એ જરૂરથી જોવાનું રહેશે કે આવું કરવાથી ક્યાંક દર્દીનો જીવ જોખમમાં ના પાડી જાય. નેશનલ મેડિકલ કમિશને આશરે એક વર્ષથી લંબિત રજિસ્ટર્ડ મેડિકલ વ્યવસાયિક આચરણ વિનિયમ સંબંધિત નોટિફિકેશનને હવે જાહેર કર્યું છે.  તેમાં સામેલ નવા નિયમો ગત બે ઓગસ્ટથી દેશભરમાં લાગુ કરી દેવાયા છે.

ડૉક્ટરનું લાયસન્સ રદ થઈ શકે 

નવા નિયમો અનુસાર જો કોઈ ડૉક્ટર કે તેમના પરિવારને કોઈ ભેટ, યાત્રા સુવિધા, રોકડ કે નાણાકીય ગ્રાન્ટ આપે છે તો તે ડૉક્ટરનું લાયસન્સ રદ થઈ શકે છે. આ ઉપરાંત રજિસ્ટર્ડ ડૉક્ટર સેમીનાર, કાર્યશાળા, સંગોષ્ઠી કે પછી સંમેલન જેવા કોઈપણ ત્રીજા પક્ષની શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સામેલ નહીં થઈ શકે, જેને કોઈ ફાર્મા કંપની સાથે લેવા દેવા હોય. નોટિફિકેશનમાં સ્પષ્ટ જણાવાયું છે કે કોઈ પણ સ્થિતિમાં ડૉક્ટરો ભેટ નહીં સ્વીકારી શકે.

72 નહીં, 5 દિવસમાં દર્દીઓને દસ્તાવેજો પૂરા પાડવા પડશે 

જો કોઈ હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીને તેના દસ્તાવેજોની માહિતી જોઈતી હશે તો હોસ્પિટલ દ્વારા ડૉક્ટરે આ કામગીરી મહત્તમ 5 દિવસમાં પૂરી કરવાની રહેશે. અગાઉ તેના માટે 72 દિવસનો સમય મળતો હતો. ડૉક્ટરો હવે તેમના નામની આગળ બેફામ રીતે ડિગ્રીઓના નામ પણ નહીં લખી શકે. તેઓએ ફક્ત NMC દ્વારા પ્રાપ્ત ડિગ્રી કે ડિપ્લોમા જ લખવાનું રહેશે. તેના વિશે NMCની સાઈટ પર વિગતો ઉપલબ્ધ રહેશે.


Related Posts