પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહપરિવાર ગીર સોમનાથ પહોંચ્યા હતા અને સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવ્યું હતું. આ દરમિયાન તેમણે રાજ્યમાં સારો વરસાદ થાય અને લોકોનું જીવન સુખમય બને તે માટે મહાદેવને પ્રાર્થના કરી હતી. સોમનાથના સાનિધ્યમાં નીતિન પટેલે રાજ્યના વિવિધ મુદ્દાઓ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે નીતિન પટેલે સૂચક નિવેદન આપતાં કહ્યું કે, જો દારૂબંધી હટાવવામાં આવે તો રાજ્ય સરકારને હજારો કરોડ રૂપિયાની આવક થઈ શકે છે. પરંતુ ગુજરાતમાં કાયદો વ્યવસ્થા દારૂબંધી ને કારણે જ મજબૂત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રહેવામાં દારૂબંધીની પણ મહત્વની ભૂમિકા છે. તેમના મતે રાજ્યના મોટાભાગના લોકો પણ દારૂબંધીના સમર્થનમાં છે.
દારૂબંધી હટાવવા અંગેના શંકરસિંહ વાઘેલાના નિવેદન પર નીતિન પટેલે તેને તેમનો વ્યક્તિગત અભિપ્રાય ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં દારૂબંધી માત્ર આવકનો પ્રશ્ન નથી, પરંતુ તેની સામાજિક અને કાયદો-વ્યવસ્થા સાથે પણ સીધી અસર જોડાયેલી છે.
ઝેન જી આંદોલન અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે આંદોલનો કોઈ નવી બાબત નથી. આઝાદીના સમયથી લઈને આઝાદી બાદ પણ દેશમાં વિવિધ આંદોલનો થતા રહ્યા છે. ગુજરાતના નવનિર્માણ આંદોલન દરમિયાન તેઓ પોતે પણ યુવા અવસ્થામાં આંદોલન સાથે જોડાયા હતા. “ઝેન જી” શબ્દ ભલે નવો હોય, પરંતુ યુવાનો પોતાના વિચારો, પ્રેરણા અને મુદ્દાઓને લઈને હંમેશા આંદોલન કરતા આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે કોઈપણ સરકાર કે રાજકીય નેતૃત્વે યુવાનોની વાતને પ્રેમ અને સમજદારીથી સાંભળવી જોઈએ અને સંવાદ દ્વારા આંદોલનનો ઉકેલ લાવવો જોઈએ. સરકાર અને યુવાનો વચ્ચેનો સંવાદ જ આવા મુદ્દાઓનો સુખદ ઉકેલ લાવી શકે છે.