63મા સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) સંમેલનમાં બોલતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, તેઓ ડીઝલ એન્જિન/વાહનો પર વધારાનો 10 ટકા GST લાદવા માટે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને વિનંતી કરવાનું વિચારી રહ્યા છે. ડીઝલ વાહનો સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે અને સરકાર ઇચ્છે છે કે રસ્તા પર તેમની સંખ્યા ઓછી હોય.
તેમણે કહ્યું, “મેં એક પત્ર તૈયાર કર્યો છે, જે હું આજે સાંજે નાણામંત્રીને સુપરત કરીશ, જેમાં ડીઝલ વાહનો અને તમામ ડીઝલ સંચાલિત એન્જિનો પર વધારાનો 10% GST લાદવાનો પ્રસ્તાવ છે.”
ગડકરીએ કહ્યું કે, તેઓ ડીઝલ વાહનોના ઉત્પાદનમાં ઘટાડો કરવા માટે ઓટોમોબાઈલ કંપનીઓને પ્રોત્સાહિત કરવા ડીઝલ સંચાલિત વાહનો પર 10% વધારાના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની દરખાસ્ત કરી રહ્યા છે. જેથી ડીઝલ વાહનોનું ઉત્પાદન ઘટાડી શકાય અને તેના કારણે થતા પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) અનુસાર, નીતિન ગડકરીએ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને આ અંગે જાતે જ વિચારવા કહ્યું છે.
નીતિન ગડકરીએ કહ્યું કે ઓટો ઉદ્યોગે ડીઝલ વાહનોથી થતા પ્રદૂષણને ધ્યાનમાં લઈને આપમેળે આગળ વધવું જોઈએ. નહિંતર, સરકાર પાસે આવી પરિસ્થિતિઓ બનાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં, જેના કારણે તેઓ પોતે જ આમ કરવા મજબૂર થશે. તેમણે કહ્યું કે, “ડીઝલને અલવિદા કહો… સુઓ મોટુ પગલાં લો, નહીં તો અમે ટેક્સ એટલો વધારીશું કે તમે ડીઝલ વાહનો વેચી શકશો નહીં.”
તેમણે કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં ડીઝલ કારનો હિસ્સો 2014માં 335% હતો જે ઘટીને હવે 28% થઈ ગયો છે. તેમણે ડીઝલ એન્જિનો દ્વારા પર્યાવરણને થતા નુકસાન વિશે જણાવ્યું અને પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જનને કાબૂમાં રાખવાની પણ વાત કરી. સરકારને આશા છે કે ડીઝલ વાહનો પર ટેક્સ વધારવાથી તેમના ઉત્પાદન અને વેચાણમાં ઘટાડો થશે, જે પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે.