દેશમાં 292 સાંસદો સાથે NDAની મોદી સરકાર અસ્તિત્વમાં આવી છે. નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. જે બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ, ગઈકાલ શનિવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અસ્તિત્વમાં આવેલ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકાર ભૂલથી બની ગઈ છે અને તે જલદીથી પડી જશે
NDA સરકાર પર પ્રહાર કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે લોકોએ લઘુમતી સરકારને પસંદ કરી છે. ખડગેએ દાવો કર્યો હતો કે લોકોએ મોદીની લઘુમતી સરકારને પસંદ કરી છે અને આ ગઠબંધન સરકાર ગમે ત્યારે પડી શકે છે. તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં, ભાજપ 240 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી પરંતુ બહુમતી માટેનો આંકડો 272 બેઠકોને પાર કરી શક્યો નહોતો. જે બાદ ભાજપને બહુમતીનો આંકડો પાર કરવા માટે, સાથીપક્ષોના સમર્થનની જરૂર પડી અને તેમણે એનડીએના સહયોગી એન ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, ચિરાગ પાસવાન અને એકનાથ શિંદે સાથે સરકાર બનાવી છે.
નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીમાં આ પ્રથમ વખત છે જ્યારે તેઓ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. દરમિયાન જનતા દળ યુનાઈટેડના નેતા કેસી ત્યાગીએ મલ્લિકાર્જુન ખડગે પર અરાજકતાનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. કેસી ત્યાગીએ કહ્યું, “મલ્લિકાર્જુન ખડગે વાંધાજનક નિવેદનો કરીને અરાજકતા અને અવિશ્વાસનું વાતાવરણ સર્જી રહ્યા છે, હું તેની નિંદા કરું છું.” આ પહેલા પણ જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા હતા અને ઈન્ડિયા ગઠબંધન નીતિશ કુમારના સમર્થનની માંગ કરી રહ્યું હતું, તે સમયે પણ કેસી ત્યાગીએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે નીતિશ કુમાર ઈન્ડિયા ગઠબંધન સાથે નહીં જાય અને એનડીએ ગઠબંધનને જ સમર્થન આપશે.
આ વખતે 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીએ કોંગ્રેસ પાર્ટીને સફળતા મળી છે. 2019માં કોંગ્રેસે 52 બેઠકો પ્રાપ્ત કરી હતી, જ્યારે આ વખતે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ 99 લોકસભા બેઠકો જીતી હતી. જ્યારે ઈન્ડિયા એલાયન્સે કુલ 234 લોકસભા સીટો જીતી હતી.