ઓપરેશન ‘સાગર-બંધુ’ : દીતવાહ વાવઝોડા થી ત્રસ્ત શ્રીલંકાને ભારતે 12 ટન જેટલી સહાય : NDRFની ટીમ મોકલી

By: Krunal Bhavsar
29 Nov, 2025

નવીદિલ્હી/કોલંબો : ઓપરેશન સાગરબંધુ હેઠળ ભારતે દીતવાહ ચક્રવાત ગ્રસ્ત શ્રીલંકાને ૧૨ ટન જેટલી તત્કાળ સહાય મોકલી આપી છે. ભારતનાં વિશાળ માલવાહક વિમાન સી-૧૩૦ જે દ્વારા ટેન્ટસ, તાડપત્રીઓ, બ્લેન્કેટસ, હાઈજીન કીટસ અને તૈયાર તત્કાળ ખવાય તેવા ખાદ્ય પદાર્થો શનિવારે શ્રીલંકા પહોંચાડી દીધા છે. આ ઉપરાંત ભારતનાં બે યુદ્ધ જહાજો આઈ.એન.એસ. વિક્રાંત અને આઈએનએસ ઉદયગિરી પણ ૪.૫ ટન જેટલું ડ્રાય રેશન તથા ૨૨ ટન જેટલું ફ્રેશ રેશન લઈ શ્રીલંકા પહોંચી ગયાં છે.

શુક્રવારે શ્રીલંકા પર વિનાશક ચક્રવાત દીતવાહ ફરી વળ્યો હતો. તેના ૨૪ કલાકમાં જ ભારતે તે ટાપુ રાષ્ટ્રને અઢળક સહાય મોકલવી શરૂ કરી દીધી છે. તે પણ કશી અપેક્ષા સિવાય.

આ વિનાશક વાવાઝોડાંના સમાચારો  મળતાં કમાન્ડન્ટ પી.કે. તિવારીનાં નેતૃત્વ નીચેની ૮મી બટાલિયન વહેલી સવારે ૪.૦૬ મિનિટે હીન્ડોન એરબેઝ ઉપરથી આઈએલ-૭૬ દ્વારા રવાના થઈ ગયા હતા. તેઓની સાથે ફૂલાવી શકાય તેવી ઇન્ફલેટેબલ બોટ્સ તેમાં હવા ભરવાનાં સાધનો, સંચાર સાધનો અને મેડીકલ કીટ્સ સાથે બાદુલ્લા અને નુવારા ઈલીયાના જળમગ્ન વિસ્તારો તરફ પહોંચી ગયા હતા. આ વિસ્તારોમાંથી સેંકડોને સ્થાનાંતરિત કરાયા છે. આ વિનાશક વાવાંઝોડાએ ૮૦નો ભોગ લીધો છે. ૩૦ લાપત્તા છે. સેંકડો ઈજાગ્રસ્ત થયા છે. આ ચક્રવાતે ૧૨,૩૧૩થી વધુ કુટુંબોના આશરે ૪૪ હજાર લોકોને નિરાધાર બનાવી દીધી છે.

પાડોશનાં ટાપુરાષ્ટ્ર શ્રીલંકાને દરેકે દરેક આપત્તિમાં સહાય આપવાનું વચન ઉચ્ચારતાં શ્રીલંકા સ્થિત ભારતીય હાઈકમિશને જણાવ્યું હતું કે : ઓપરેશન સાગરબંધુ કાર્યરત થઈ ગયું છે અને દીતવાહ ચક્રવાતગ્રસ્ત શ્રીલંકાને તત્કાળ એચ.એ.આર.ડી. સપોર્ટ આપવા વચન બદ્ધ છે. ભારતે શ્રીલંકાને ૪.૫ ટન ડ્રાય રેશન અને ૨ ટન ફ્રેશ રેશન તેનાં બે યુદ્ધ જહાજો આઈ.એન.એસ. વિક્રાંત અને આઈ.એન.એસ. ઉદયગિરિ દ્વારા તો ગઈકાલે જ રવાના કરી દીધાં છે. ભારતના હાઈકમિશનરે આ અંગે જણાવ્યું હતું કે શ્રીલંકાની આ કટોકટીમાં ભારત તેની સાથે ઊભું રહેશે જ તે પાડોશી પહેલો નીતિને અનુરૂપ છે.

કેટલાંક વિશ્લેષકો જણાવે છે કે એક તરફ ચીન તેના પાડોશી ટાપુરાષ્ટ્ર તાઈવાનને ધમકીઓ આપી રહ્યું છે તે ગમે ત્યારે તેની ઉપર હુમલો કરે તેવી આશંકાઓ ધુધવે છે. તો બીજી તરફ ભારત તેના પાડોશી ટાપુ રાષ્ટ્રને દરેક આપત્તિઓ સમયે સહાય કરવા દોડે છે. પછી તે પેટ્રોલની તંગી હોય કે નાણાંકીય કટોકટી હોય.


Related Posts

Load more