વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનું ડેમેજ કંટ્રોલ, 200થી 300 કલાકારોને વિધાનસભામાં આવવા આમંત્રણ

By: nationgujarat
25 Mar, 2025

Vikram Thakor News: થોડા દિવસો પહેલાં વિધાનસભામા6 યોજાયેલા સન્માન સમારોહમાં વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપતાં વિવાદ સર્જાયો હતો. આ મામલો ગુજરાત રાજ્ય, રાજકારણ, સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચાનો વિષય બનતાં હવે સરકારે વિક્રમ ઠાકરો અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યા છે. આગામી 26-27 માર્ચે વિક્રમ ઠાકોર, સાગર પટેલ, મલ્હાર ઠાકર સહિતના 200થી વધુ કલાકારો અને સંગીતવાદકોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.  આ માટે ભાજપના સાંસ્કૃતિક સેલના સંયોજક જનક ઠક્કરને જવાબદારી સોંપવામાં આવી છે એટલે કે સાંસ્કૃતિક સેલની યાદીમા જેટલા પણ કલાકારોના નામ હશે તે તમામને આમંત્રણ પાઠવવામાં આવશે

શું હતો સમગ્ર મામલો?

ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.

વિક્રમ ઠાકોરે કહ્યું કે, ‘મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમે ના બોલાવ્યા. હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે, તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો. ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે. ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે. બસ એટલી જ વિનંતી કરવા માંગું છું સરકારને કે, આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે, હું અભિનંદન પાઠવું છું કે અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું. પરંતુ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા….’


Related Posts

Load more