મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનાની આજે પહેલી વરસી, 1 વર્ષ બાદ પણ પરિજનો ન્યાય માટે તરસી રહ્યા છે

By: nationgujarat
30 Oct, 2023

મોરબીમાં આવેલ ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 135 વર્ષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાને 1 વર્ષનો સમય થઈ ગયો. છતાં મૃતકોના પરિજનો હજુ સુધી ન્યાય માટે તરસી રહ્યા છે. અમદાવાદના ગાંધી આશ્રમમાં આજે મૃતકો માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી દુર્ઘટનામાં સ્વજનો ગુમાવનારા પરિવારોમાંથી ઘણા લોકો પહોંચ્યા છે.

ઝુલતો બ્રિજ તૂટી પડતા 135 પરિવારો વિખેરાયા

મોરબીમાં આજે 30 ઓક્ટોબરની તારીખે જ 1 વર્ષ પહેલા સાંજના સમયે ઝુલતો બ્રિજ તૂટી પડ્યો હતો. જેમાં ત્યાં ફરવા આવેલા બાળકો, વૃદ્ધો, મહિલા સહિત સેંકડો લોકો નદીમાં નીચે ખાબક્યા હતા. જેમાં 135ના મોત થયા હતા. દુર્ઘટનામાં અનેક પરિવારોના માળા વિખેરાઈ ગયા હતા. આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તો સરકારે બનાવેલી SIT રિપોર્ટમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ તથા બ્રિજના મેનેજર અને કર્મચારી સહિત 9 આરોપીઓને જવાબદાર દર્શાવાયા છે.

ગાંધી આશ્રમમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન

દુર્ઘટનાના 1 વર્ષ થવા છતાં હજુ સુધી મોરબીમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિજનોને ન્યાય મળ્યો નથી. ત્યારે ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશન દ્વારા મૃતકોના પરિજનોને સાથે રાખીને ગાંધી આશ્રમમાં સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ઘટના માટે જવાબદારોને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી છે.

મોરબી દુર્ઘટનામાં મૃતકોને ન્યાય માટે ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશન બનાવવામાં આવ્યું છે. આ એસોસિએશનના વકીલ મારફતે ડિસ્ટ્રીક્ટ અને હાઈકોર્ટમાં કાયદાકીય જંગ લડવામાં આવી રહી છે.પીડિત પરિવારો ગાંધી આશ્રમ નજીક મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને ન્યાયની માંગણી સાથે ધરણા પર બેઠા છે.

ઓરેવા કંપનીના તમામ લોકો જવાબદાર’

આ દુર્ઘટનામાં થોડા દિવસ પહેલા જ 5000 પાનાનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો છે. SITએ તપાસ રિપોર્ટ કોર્ટે સમક્ષ રજૂ કર્યો છે. રાજ્ય સરકારે SIT ટીમ બનાવી હતી. આ રિપોર્ટમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદારી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. ઘટના માટે બ્રિજનું સંચાલન અને સમારકામ કરનાર ઓરેવા કંપનીના તમામ લોકો જવાબદાર છે. MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ સહિતના લોકો ઘટના માટે જવાબદાર હોવાનું SITનો રિપોર્ટ છે.

આજથી બરોબર એક વર્ષ પહેલા એટલે કે, મોરબીમાં તા, ૩૦/૧૦/૨૨ ના રોજ સાંજના સમયે ઝુલતો પૂલ તૂટી પડ્યો હતો અને ત્યાં હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી બાળકો, મહિલા, વૃદ્ધો, સગર્ભા મહિલા સહિત કુલ મળીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા. આ બનાવ સંદર્ભે હાલમાં કોર્ટની અંદર મેટર ચાલી રહી છે અને તાજેતરમાં સીટનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ઓરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર દર્શાવવામાં આવ્યું હતું. જો કે, હજુ સુધી આ ગોઝારી ઘટનામાં સ્વજન ગુમાવનારા પરિવારોને ન્યાય મળ્યો નથી.

આજે તા ૩૦/૧૦/૨૩ ના રોજ ઝુલતા પુલ દુર્ઘટનાને એક વર્ષ પૂરું થયું છે. ત્યારે ટ્રેજેડી વિક્ટીમ એસોસિયેશન દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક વ્યક્તિઓના પરિવારજનોને સાથે રાખીને આ ઘટના મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે આજે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીથી સ્વજન ગુમાવનારા પરિવારમાંથી ઘણા લોકો જોડાયા છે અને આ ઘટના માટે જવાબદાર જે કોઇ હોય તેને ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે.

ન માત્ર મોરબી કે ગુજરાત, પરંતુ આ દુર્ઘટના બાદ ભારતભરમાં જે દુર્ઘટનાની નોંધ લેવામાં આવી હતી અને વિદેશમાં પણ જે દુર્ઘટનાની ચર્ચાઓ ચાલી હતી. તે ગોઝારી દુર્ઘટનાને એક વર્ષ એટલો લાંબો સમયગાળો વીતી ગયો છે તેમ છતાં પણ આ દુર્ઘટના પાછળ દોષિત કોણ તે હજી સ્પષ્ટ થયું નથી અને પરિવારોને સંતોષકારક ન્યાય મળ્યો નથી ત્યારે પરિવારના સભ્યો ગુમાવનાર લોકોની આંખો આજની તારીખે પણ સુકાતી નથી.


Related Posts

Load more