રાજકોટ ભાજપના જૂથવાદની કવિતા જી હજૂરિયા કરતા લોકોને RMCમાં હોદ્દેદારો બનાવ્યાનો ઉલ્લેખ

By: nationgujarat
13 Sep, 2023

રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે અને મનપાના પદાધિકારીઓની નિમણૂક બાદ આજે વધુ એક કવિતાકાંડ સામે આવ્યો છે. આજે વધુ એક પત્રિકા વાઇરલ થઈ છે, જેમાં પરિશ્રમ અને સંનિષ્ઠ કાર્યકર્તાઓને હોદ્દાને બદલે ગોડફાધરોની પ્રશંસા કરે તેવા લોકોને હોદ્દા મળતા હોવાનો કવિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે છેલ્લા 15 દિવસમાં જી હજૂરિયા કરતા અને જન્મદિવસ પર ફોટા મૂકવા અને મોટા આકાઓને હાથ જોડતા લોકોને હોદ્દા મળતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કવિતામાં શું લખેલું છે?

કંઈક તો ખામી હશે મુખર્જી અને દિન દયાળજીના બંધારણની રચનામાં
જ્યાં ખોટાને શિરપાવ મળે અને સાચા કદ મુજબ વેતરાય જાય છે
નેતાના જૂના મિત્રો હોવાથી બિનલાયકને શિરપાવ મળી જાય છે
અને સાચા કદ મુજબ વેતરાય જાય છે
કામ કરનારની કોઈ કદર નથી અહીં, ગોડફાધર ગુરુઓના ચેલા ચાલી જાય છે
અર્જુનને આગળ વધારવા માટે એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે
આજે મામાના ભાણેજ બનવું પડે છે અને સાચા કદ મુજબ વેતરાય જાય છે
જૂનું થઈ ગયું જમીની કામ કરવું, હવે સાબિત થઈ ગયું કે જન્મદિવસના ફોટા મૂકીને પણ નેતા બની જવાય છે
જૂનું થઈ ગયું છે ભાજપમાં હવે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવાનું
સાબિત થઈ ગયું છે કે છેલ્લા 8થી 10 દિવસ મોટા આકાની સામે હાથ જોડી લઈએ, તેથી હોદ્દાની સંપૂર્ણ સલામતી બે-બેવાર પણ થઈ જાય છે અને સાચા કદ મુજબ વેતરાય જાય છે
હાલમાં લોકોની વચ્ચે રહીને લોકોના આખો દિવસ કામ કરનારા સાચા કાર્યકરની આવી હાલત છે અને પોતાની ચેમ્બરોમાં
અઢી વર્ષમાં ક્યારેય ન દેખાય તોય તો બીજીવાર ચેરમેનપદ મળી જાય છે.

જે પણ હશે તેને સાંભળી ન્યાય આપવા પ્રયત્ન કરી
આ અંગે રાજકોટ શહેર ભાજપ-પ્રમુખ મુકેશ દોશીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કવિતા વાઇરલ થઈ છે એવું મને મીડિયાના માધ્યમથી જાણ થઈ રહી છે. હું આજે બહારગામ છું. કદાચ કોઈ કાર્યકર્તાની લાગણી દુભાઈ હશે એટલા માટે તેણે લખ્યું હશે. અમારો ભારતીય જનતા પાર્ટીનો પરિવાર મોટો છે કોઈની લાગણી દુભાઈ હશે. હું પ્રમુખ છું, મારી જવાબદારી છે કે કોઈની લાગણી દુભાઈ હશે તો તેમને હું સાંભળીશ અને શક્ય હશે તો તેમને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ. કાર્યકર્તા પરિવારનો જ સભ્ય છે, માટે આમાં કોઈ સામે પોલીસ ફરિયાદ કરવામાં નહિ આવે, પરંતુ જે પણ હશે તેને સાંભળી ન્યાય આપવા પ્રયત્ન કરીશું..

ગોડફાધરોની પ્રશંસા કરે તેવાને જ હોદ્દા આપ્યા
રાજકોટ મહાનગરપાલિકામાં તાજેતરમાં નિમાયેલા મુખ્ય 5 હોદ્દામાં અને નવી 15 કમિટી નિમાઈ એમાં અમુક નેતાઓની નજીક રહેનારાઓને જ હોદ્દા વ્યક્તિગત સ્વાર્થ જોઈને આપેલા છે કે જે કોર્પોરેટરો પ્રજાનાં કામ કરવાના બદલે મોટા ગોડફાધરોના કાર્યાલયે સતત બેસવા જાય. જન્મદિવસમાં સાથે ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં મૂકીને આ ગોડફાધરોની પ્રશંસા કરે તેવાને જ હોદ્દા આપેલા છે.

કવિતામાં સગાવાદનો ઉલ્લેખ
15 દિવસ પહેલાં ઉપલા કાંઠેથી વહેતી થયેલી કવિતાને આ ગોડફાધરોએ ચરિતાર્થ કરી છે અને જાહેરમાં કે કારોબારી ભાજપની મળે ત્યારે પંડિત દિન દયાળજી જેવા બનવાની, તેમના જેવુ વર્તન કરવાની વાતો માત્ર કરે અને પાછળથી પોતાના કહ્યાગરા હોય તેને જ હોદ્દા આપતા અચકાતા નથી. આદર્શ પ્રમુખ દિન દયાળજીના સિદ્ધાંતના ‘સ’નું પણ પાલન કરતા નથી. કવિતામાં જી હજૂરિયા અને સગાવાદનો ઉલ્લેખ હતો એ સાચો જ હતો અને તે કવિતા મુજબ જ રાજકોટ શહેર ભાજપનું સંચાલન થાય છે.


Related Posts

Load more