MCX ગોલ્ડ સર્વોચ્ચ ટોચે, ઝડપથી 1,00,000 થવાનો અંદાજ, સોનામાં તેજી પાછળ આ પરિબળો જવાબદાર

By: nationgujarat
18 Mar, 2025

Gold Rates Today: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓના કારણે કિંમતી ધાતુમાં તેજી આવી છે. આજે એમસીએક્સ ગોલ્ડનો 4 એપ્રિલ વાયદો બજાર ખૂલતાં જ થોડી જ ક્ષણોમાં રૂ. 88418 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. જે 11.11 વાગ્યે રૂ. 359ના ઉછાળે રૂ. 88382 પ્રતિ 10 ગ્રામના સ્તરે ક્વોટ થઈ રહ્યો હતો.

અમદાવાદમાં પણ સોનુ રેકોર્ડ ટોચે

કિંમતી ધાતુમાં આકર્ષક તેજીને ધ્યાનમાં લેતાં સ્થાનિક બજારમાં સોનું ટૂંકસમયમાં રૂ. 1,00,000ની સપાટી ક્રોસ કરે તેવી શક્યતાઓ કોમોડિટી નિષ્ણાતો દર્શાવી રહ્યા છે. અમદાવાદમાં પણ શનિવારે સોનાની કિંમત રેકોર્ડ રૂ. 90700 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે નોંધાયા બાદ ગઈકાલે રૂ. 100 ઉછળી ફરી નવી રૂ. 90800 પ્રતિ 10 ગ્રામ (999)ની રેકોર્ડ સપાટીએ પહોંચી હતી.

સોના કરતાં ચાંદીનો ચળકાટ વધ્યો છે. જેમાં ઝડપી તેજીના કારણે એમસીએક્સ ચાંદી વાયદો (5 મે,2025) આજે વધુ રૂ. 464 વધી રૂ. 1,01,040 પ્રતિ કિગ્રા બોલાઈ રહ્યો હતો. સ્થાનિક રિટેલ બજારમાં પણ ચાંદી રૂ. 99000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ છે. જે આજે ફરી ઉછાળા સાથે રૂ. એક લાખની સપાટી ક્રોસ કરે તેવી તીવ્ર સંભાવનાઓ જોવા મળી છે.

આ પણ વાંચોઃ સેન્સેક્સે 13 દિવસ બાદ 900 પોઈન્ટના ઉછાળા સાથે ફરી 75000, રોકાણકારોની મૂડી 4 લાખ કરોડ વધી

સોના-ચાંદીમાં તેજીના કારણો

1. ટ્રમ્પની ટેરિફ નીતિઃ ટ્રમ્પની ટેરિફ નીતિ મુદ્દે અનિશ્ચિતતાઓના કારણે બુલિયન માર્કેટમાં તેજી આવી છે. ટ્રમ્પ સોના પર ટેરિફ લાદે તેવી અટકળો સાથે મોટાપાયે સોનાની આયાત વધી છે.

2. ડોલરમાં ગાબડુઃ અમેરિકાના રિટેલ સેલ્સમાં સુધારા તેમજ આર્થિક આંકડાઓ પણ સકારાત્મક રહેવાની શક્યતા સાથે વ્યાજના દરો ઘટશે. પરિણામે ડોલર ઈન્ડેક્સ પાંચ માસના તળિયે પહોંચ્યો છે. જે વિદેશી ખરીદદારો માટે સોનું સસ્તુ બનાવી રહ્યો છે.

3. કિંમતી ધાતુની માગ વધીઃ ટેરિફ વોર અને ડોલરમાં કડાકાનો લાભ લેવા બુલિયન રોકાણકારો આતુર બન્યા છે. જેના લીધે વૈશ્વિક સ્તરે સોના-ચાંદીની માગ વધી છે. વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ પણ છેલ્લા ત્રણ વર્ષમાં પોતાની ગોલ્ડ રિઝર્વ વધારી છે.

4. વ્યાજદરોમાં ઘટાડાની અસરઃ આર્થિક સ્થિરતાના માહોલના કારણે ફેડ રિઝર્વ વ્યાજના દરોમાં ઘટાડો કરે તેવી અટકળો અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે. જેની સીધી અસર બુલિયન માર્કેટ પર થશે. ડોલર નબળો પડવાની વકી સાથે સોનામાં સંસ્થાકીય રોકાણ વધ્યું છે.

સોનામાં થોભો અને રાહ જુઓની નીતિ

કિંમતી ધાતુના સતત વધતા ભાવના કારણે જોખમ વધ્યું છે. વિશ્વની ટોચની બે મહાસત્તા અમેરિકા અને ચીનમાં આર્થિક સ્થિરતા વધી રહી હોવાના અહેવાલો મળ્યા છે. ટેરિફ મુદ્દે પણ ટ્રમ્પ અન્ય દેશો સાથે વાટાઘાટ કરવા તૈયાર છે. જે માર્કેટમાં સ્થિરતા લાવી શકે છે. તેમજ ફુગાવો પણ કાબૂમાં રાખી શકે છે. જેથી સોનામાં નવા રોકાણકારોને થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા કોમોડિટી નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.


Related Posts

Load more