અમદાવાદ: શહેરના પાલડી વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ATS અને DRIની ટીમ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં ટીમને 95.5 કિગ્રા સોનું અને ઘરેણા અને રુ. 60થી 70 લાખ મળી આવ્યા હતા. જેને સંયુક્ત ટીમે કબજે કરીને DRI એ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ATS અને DRIની ટીમનું ઓપરેશન: સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના પાલડી વિસ્તારના આવિષ્કાર ફ્લેટના એક મકાનમાં બાતમીના આધારે એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડના Dysp એસ. એલ ચૌધરીની ટીમના PI નિખીલ બ્રહ્મભટ્ટની ટીમે DRIની ટીમ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
ફ્લેટમાંથી સોનું અને રોકડ મળી આવી: જાણવા મળતી માહિતી મુજબ પાલડીના આ ફ્લેટને મેઘ શાહ નામના વ્યક્તિએ ભાડે રાખ્યો હતો અને આ શખ્સ શેર બજાર સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ અને DRIની ટીમે ફ્લેટમાંથી 95.5 કિગ્રા સોનું અને ઘરેણા તેમજ 60થી 70 લાખ રુપિયા કબજે કર્યા હતા. આ બાબતે DRI દ્વારા તપાસ કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ: હાલ આ બંધ ફ્લેટમાં મોટી માત્રામાં સોનું તેમજ રોકડ મળતા એજન્સીઓ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ આ ફ્લેટમાં અવારનવાર અનેક શખ્સોની અવરજવર રહેતી હતી. જ્યારે મકાનના માલિકે બાબતે મેઘ શાહ નામના શખ્સે આ મકાન ભાડે રાખ્યું હોય તેવું સામે આવ્યું છે.