ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જોવા મળે છે. રાજ્યમાં અનેક જગ્યાએ દારૂ મળે છે. બુટલેગરો બેફામ બની દારૂનો વેપાર કરે છે. હવે ભરૂચ જિલ્લામાં ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પિતાનું દારૂનું કન્ટેનર ઝડપાતા હડકંપ મચી ગયો છે. ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝઘડિયામાં વોટ ગોઠવી હતી. આ દરમિયાન એક કન્ટેનરમાંથી 22 લાખથી વધુનો દારૂ મળી આવ્યો હતો.
દારૂનું કન્ટેનર ઝડપાયું
પોલીસના દરોડોમાં આશરે 12 હજાર જેટલી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે 32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કન્ટેનરના ચાલક બબલુકુમાર પ્રજાપતિની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આ દારૂ દમણના શિવમસિંહ ભરી આપ્યો હતો અને નર્મદાના ચિત્રોલ ગામે રહેતા દિનેશ શાંતિલાલ વસાવાએ મંગાવ્યો હતો. શિવમસિંહ અને દિનેશ વસાવા કારમાં કન્ટેનરનું પાયલોટિંગ કરી રહ્યાં હતા.
દિનેશ વસાવાની પુત્રી જિલ્લા પંચાયતની સભ્ય
દારૂ મંગાવનાર દિનેશ વસાવાની પુત્રી રશ્મિતા વસાવા નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપમાંથી આમલેથા બેઠક પરથી ચૂંટાયેલા સભ્ય છે. તેવામાં એક જિલ્લા પંચાયતના સભ્યના પિતા દારૂમાં ઝડપાતા હડકંપ મચી ગયો છે.
ભરૂચમાં પોલીસે 23 લાખથી વધુનો દારૂ ઝડપી પાડવા મામલે સાંસદ મનસુખ વસાવાએ પોલીસને અભિનંદન સાથે ગંભીર આક્ષેપો કર્યા છે. સાંસદે દિનેશ શાંતિલાલ વસાવાને મોટો બુટલેગર ગણાવી,. અગાઉ કરોડોનો દારૂ ઝડપાયો હોવાનો અને હાલના કેસમાં વોન્ટેડ હોવાનો દાવો કર્યો. દારૂ-રેતીના ગેરકાયદે ધંધાર્થીઓ સામે ભાજપ સંગઠનને કાર્યવાહી કરવાની અપીલ કરી. નીલ રાવ અંગે પણ આક્ષેપ કર્યા. દિનેશની પુત્રી રસ્મિતા જિલ્લા પંચાયત સભ્ય હોવાનો ઉલ્લેખ કર્યો. મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશથી દારૂ આવતો હોવા છતાં નામજોગ ફરિયાદો પર કાર્યવાહી ન થતી હોવાનો દાવો કર્યો છે.