ગત રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – પાલડી ખાતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ઘનશ્યામ મહારાજનું ષોડ્શોપચારથી પૂજન કરી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પ્રથમ પોતાના ત્યાગી પટ્ટશિષ્ય સંત તરીકેની દીક્ષા આપી તેને ૮૪ વર્ષ પૂર્ણ થતાં શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ૧૫ ફૂટનો વિશાળ હાર ધરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ મંદિર, શાસ્ત્રો અને સંતો છે. આ ત્રણના કારણે જનસમાજમાં સંસ્કારનું સંવર્ધન થાય છે. સંતોના યોગમાં માણસનું પરિવર્તન થાય છે. નારદજીના યોગમાં વાલિયા લૂંટારો વાલ્મિકિ ઋષિ બની ગયા.
શ્રી આંનદપ્રિયદાસજી સ્વામી દેશ-વિદેશમાં અને ગુજરાતના ગામડે – ગામડે ઘૂમીને અનેક યુવાનોને ભક્તિ અને સદાચારના માર્ગે વાળ્યાં છે. જેથી તેઓ આજે પણ વ્યસનમુકત જીવન જીવે છે. દરેકના ભાલે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો તિલક ચાંદલો શોભાયમાન હોય છે. હાથમાં અને માળા અને હૃદયમાં સ્વામિનારાયણના નાદ ગુંજે છે. સવારે જાગૃત્ત થઈને ધ્યાન પ્રાર્થના, નિત્ય મંદિરે દર્શન કરીને પછી નૈતિકતા રાખીને ધંધો-નોકરીનું કાર્ય કરવાના સંસ્કારો એ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીજીની દેન છે. આપણે પણ આવું ભક્તિમય જીવન જીવીને મોક્ષપદ પ્રાપ્ત કરી લેવું એ જ વાત સારમાં સાર છે.