Arvind Kejriwal Sheesh Mahal : દિલ્હીમાં રાજકીય ચર્ચાનો વિષય બનેલો પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો (Arvind Kejriwal) સરકારી બંગલો હવે સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીની (BJP) સરકારે આ બંગલાને મ્યુઝિયમ તરીકે વિકસાવ્યો છે. બંગલાની બહાર ‘શીશમહલ’ નામનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. ભાજપે આ બંગલાની અંદર વપરાયેલી મોંઘી વસ્તુઓની કિંમતો પણ જાહેર કરી છે.
દિલ્હીના ફ્લેગસ્ટાફ રોડ પર આવેલા આ બંગલાની કુલ કિંમત 58 કરોડ 83 લાખ 66 હજાર 314 રૂપિયા દર્શાવવામાં આવી છે. કેજરીવાલ મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2015થી 2024 સુધી પરિવાર સાથે આ જ બંગલામાં રહેતા હતા. હવે સામાન્ય લોકો પણ તેની અંદરની ભવ્યતા અને સુવિધાઓ નિહાળી શકશે.
બંગલાના ઇન્ટિરિયર (Interior)માં ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓની કિંમત પણ જાહેર કરવામાં આવી છે. તેમાં ડાઇનિંગ ટેબલ અને ખુરશીઓની કિંમત 30.52 લાખ રૂપિયા જણાવાઈ છે. પડદાની કિંમત 5 લાખ રૂપિયા છે, જ્યારે ઝૂમરની કિંમત 11 લાખ રૂપિયા દર્શાવવામાં આવી છે.
સ્લાઇડિંગ દરવાજાવાળા બેઠક રૂમની કિંમત 41.16 લાખ રૂપિયા જણાવવામાં આવી છે. પાઉડર રૂમ પાછળ 5.80 લાખ રૂપિયા અને લૉબી વિસ્તાર પાછળ 7.58 લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. રસોડામાં સામાન ઉપર-નીચે લઈ જવા માટે લગાવેલી ડમ્બવેટર લિફ્ટની કિંમત પણ 7 લાખ રૂપિયા જણાવવામાં આવી છે.
દિલ્હીના PWD મંત્રી પ્રવેશ વર્માએ જણાવ્યું છે કે આ જ અઠવાડિયામાં મુલાકાતીઓ માટે ટિકિટ બુકિંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રવેશ માટે આશરે 20 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી શકે છે. જોકે, વરિષ્ઠ નાગરિકો અને કોલેજના વિદ્યાર્થીઓને મફત પ્રવેશ આપવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે. આ નિર્ણય બાદ હવે દિલ્હીના લોકો માટે કેજરીવાલના ચર્ચિત બંગલાને અંદરથી નિહાળવાનો માર્ગ ખુલ્યો છે. બીજી તરફ, બંગલાના રિનોવેશન અને ખર્ચને લઈને રાજકીય ચર્ચા ફરી તેજ થવાની શક્યતા છે.
