જીગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સ: ભાજપ પર ષડયંત્રનો આક્ષેપ, બહેન અંગેની પોસ્ટને લઈને કાર્યવાહીની માંગ

By: Nation Gujarat Team
03 Oct, 2026
અમદાવાદ: વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. મેવાણીએ દાવો કર્યો કે ભાજપ દ્વારા લાંબા સમયથી તેમની છબી ખરાબ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેમના ચરિત્ર તથા નાણાકીય વ્યવહારો અંગે અનેક પ્રયાસો છતાં કોઈ પુરાવા મળ્યા નથી. તાજેતરમાં બનાસકાંઠાના ધવલ દવે દ્વારા તેમની બહેન અંગે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી કથિત વાંધાજનક પોસ્ટનો મુદ્દો ઉઠાવતા મેવાણીએ તેની સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મેવાણીએ કહ્યું કે, રાજકારણમાં વિરોધ હોઈ શકે છે પરંતુ તેની પણ એક ગરિમા હોવી જોઈએ. ચૂંટાયેલા પ્રતિનિધિના માતા-બહેન અંગે ટિપ્પણી કરવી યોગ્ય નથી. તેમના જણાવ્યા મુજબ આ પ્રકારની પોસ્ટ ભાજપના લોકો દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે, જેને લઈને કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અને દલિત સમાજમાં રોષ છે. મેવાણીએ રાજ્યના વડાને આ મામલે ફોજદારી ગુનો દાખલ કરાવવાની માંગ કરી હતી.
મેવાણીએ આસામમાં તેમની સામે થયેલા કેસને પણ ખોટો ગણાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે દારૂના ધંધા સામે કાર્યવાહી કરવાને બદલે બુટલેગરો સામે કાર્યવાહી કરવાને બદલે તેમની સામે કેસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ હાલ રાજકારણમાં નિમ્ન કક્ષાએ ઉતરી આવ્યું છે અને તેમને વિપક્ષના નેતા તરીકે નહીં પરંતુ શત્રુ તરીકે જોવામાં આવી રહ્યા છે.
મેવાણીએ વધુમાં વડગામ વિસ્તારમાં પ્લોટની લાલચ આપી લોકો પાસેથી રૂ. 25 હજાર ઉઘરાવવાના મામલે યાકુબ નામના વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. તેમના જણાવ્યા મુજબ 100થી વધુ લોકોને પ્લોટની લાલચ આપવામાં આવી હતી અને જિલ્લા અધિકારી મારફતે તપાસ કરાવવામાં આવી હતી. મેવાણીએ દાવો કર્યો કે 132 ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાં 10 આદિવાસી સિવાય એક પણ ફોર્મ માન્ય રહ્યું નથી. તેમણે સવાલ કર્યો કે બનાસકાંઠા પોલીસ આ મામલે ફરિયાદ કેમ કરતી નથી.મેવાણીએ પાલનપુરમાં પણ યાકુબ સામે ફરિયાદ થઈ હોવાનો ઉલ્લેખ કરી ફોજદારી ગુનો દાખલ કરવાની અને આ સમગ્ર મામલે ભાજપના કોઈ લોકો સંકળાયેલા છે કે નહીં તેની તપાસ કરવાની માંગ કરી હતી. તેમણે ધવલ દવે અને ભાજપના ઈશારે સમગ્ર ઘટનાક્રમ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે તેમણે વડગામમાં વર્ગવિગ્રહ અને હિન્દુ-મુસ્લિમ વચ્ચે તણાવ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો દાવો કરી 48 કલાકમાં સંડોવાયેલા લોકોને જેલમાં મોકલવાની માંગ કરી હતી. મેવાણીએ જાહેરાત કરી હતી કે આવતીકાલે સાંજે 4 વાગ્યે તમામ જિલ્લાઓમાં ધવલ દવે સામે કોંગ્રેસ દ્વારા ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવશે.

ગ્યાસુદીન શેખે પણ મેવાણીના સમર્થનમાં પ્રતિક્રિયા આપી

સમગ્ર મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીન શેખે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ દ્વારા જીગ્નેશ મેવાણીને નિશાન બનાવીને એક આયોજિત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શેખે કહ્યું કે કોઈના પર અત્યાચાર થયો હોય ત્યારે ધર્મ કે જાતિ જોયા વગર અવાજ ઉઠાવવામાં આવ્યો છે અને મેવાણી પણ ધર્મ-જાતિ જોયા વગર કામ કરે છે

ગ્યાસુદીન શેખે મુસ્લિમ અને દલિત સમાજને અપીલ કરી કે મેવાણીને બોલતા અટકાવવા અથવા હિન્દુ-મુસ્લિમ સમાજને સામસામે લાવવાના પ્રયાસોથી સાવધાન રહે. તેમણે વડગામના લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર વાતાવરણ બગડે તેવી પોસ્ટ ન કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી આવતી-જતી રહેશે, પરંતુ ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે અને વર્ગવિગ્રહ ન થાય તે જરૂરી છે.

Related Posts

Load more