ચહેરો ઢાંક્યા વિના સ્કૂલે જવું પડશે’: ઇટાલીમાં બુરખો અને નકાબ બેન કરવા મોટો પ્રસ્તાવ

By: Nation Gujarat Team
21 Sep, 2026

Italy school burqa ban: ઇટાલીની જમણેરી વિચારધારા ધરાવતી સરકાર શાળાઓમાં બુરખા અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાની તેમજ દરેક વર્ગખંડમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા લાદવાની તૈયારી કરી રહી છે. ઇટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ રવિવારે પોતાની પાર્ટી ‘બ્રધર્સ ઑફ ઇટાલી’ (Brothers of Italy) દ્વારા આયોજિત એક રાષ્ટ્રીય યુવા કાર્યક્રમ દરમિયાન આ અંગેના સંકેત આપ્યા હતા.

ભૂમધ્ય સમુદ્રની મધ્યમાં આવેલું હોવાથી ઇટાલીમાં યુરોપના અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ સંખ્યામાં સ્થળાંતરિતો (ઇમિગ્રન્ટ્સ) આવે છે. આ કારણે ત્યાં સ્થળાંતરનો મુદ્દો હંમેશાં ખૂબ મહત્ત્વનો અને પડકારજનક રહ્યો છે.

મેલોનીએ યુવા કાર્યક્રમમાં શું કહ્યું?

રવિવારે યોજાયેલી બેઠક દરમિયાન મેલોનીએ સ્પષ્ટ કર્યું હતું કે ઇટાલીની શાળાઓમાં બુરખા અને નકાબ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે. આ ઉપરાંત, દરેક વર્ગખંડમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પણ મર્યાદિત કરવામાં આવશે. મેલોનીએ એમ પણ જણાવ્યું હતું કે જે વિદેશી વિદ્યાર્થીઓના માતા-પિતા ઇટાલીની શિક્ષણ વ્યવસ્થામાં એકરૂપ થવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે, તેમના માટે ઇટાલિયન ભાષા શીખવી ફરજિયાત બનાવવામાં આવશે. ટૂંક સમયમાં જ આ અંગેનો પ્રસ્તાવ મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવામાં આવશે.

મેલોનીએ કહ્યું હતું કે, “ઇટાલીની શાળાઓમાં ઇટાલિયન બાળકો લઘુમતીમાં છે એવો અનુભવ ન જ કરવો જોઈએ. એ અશક્ય છે કે આપણા દેશના વર્ગખંડમાં આપણા જ બાળકો ખુદને કોરાણે મુકાયેલા કે લઘુમતીમાં હોવાનું અનુભવે. જો વર્ગમાં માત્ર એક જ બાળક એવું હોય જે ઇટાલિયન ભાષા ન બોલતું હોય, તો તે પોતાના સહપાઠીઓ અને શિક્ષકોની મદદથી સરળતાથી ભાષા શીખીને બધા સાથે ભળી જશે. પરંતુ જો આવા બાળકોની સંખ્યા વધુ હશે, તો તેમને અલગ પાડવા મુશ્કેલ બનશે અને તેઓ મુખ્ય પ્રવાહમાં ભળી નહીં શકે, અને પરિણામે તેઓ જ બહુમતી બની જશે.”

જોકે, પોતાના ભાષણમાં તેમણે વિદ્યાર્થીઓની સંખ્યા પર લાદવામાં આવનારી મર્યાદાનો કોઈ ચોક્કસ આંકડો દર્શાવ્યો ન હતો. નોંધનીય છે કે, ફોન્ડાઝિયોન ISMU નામની ઇટાલિયન કંપની દ્વારા કરાયેલા તાજેતરના સંશોધન મુજબ, ઇટાલીની શાળાઓમાં 11.6 ટકા વિદ્યાર્થીઓ એવા છે જેઓ ઇટાલીના નાગરિક નથી.

‘તમારે તમારો ચહેરો ઢાંક્યા વિના શાળાએ આવવું પડશે’

વિદ્યાર્થીઓને ઉદ્દેશીને મેલોનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “તમારે તમારો ચહેરો ઢાંક્યા વિના જ શાળાએ આવવું પડશે. ઇટાલીમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ સાચી કે કાલ્પનિક પરંપરાના બહાને, કોઈ પણ યુવતીને પોતાનો ચહેરો ઢાંકવા માટે મજબૂર કરી શકે નહીં.”


Related Posts

Load more