ISRO દ્વારા પોતાના નેવિગેશન સેટેલાઇટ NVS-03ને લોન્ચ કરવામાં આવ્યો. તેને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી GSLV-F18 રોકેટ દ્વારા શુક્રવારે રાત્રે 11 વાગ્યે ને 51 મિનિટે લોન્ચ કરવામાં આવ્યો હતો.
ઉડાન ભર્યાના લગભગ 18 મિનિટ પછી રોકેટના ત્રણેય તબક્કા સફળ રહ્યા હતા. ત્યારબાદ 2,232 કિલોગ્રામ વજન ધરાવતો આ સેટેલાઇટ રોકેટથી અલગ થઈને પોતાની નિર્ધારિત ભ્રમણકક્ષામાં પહોંચી ગયો હતો.
આ સમગ્ર ભારત અને સરહદથી 1,500 કિલોમીટર દૂર સુધી ચોક્કસ લોકેશન અને નેવિગેશનની સુવિધા પૂરી પાડશે.
NavIC બનાવવાની જરૂરિયાત 1999ના કારગિલ યુદ્ધ પછી અનુભવાઈ હતી. એ સમયે ભારતે અમેરિકી GPS પાસેથી સૈન્ય ક્ષેત્રની લોકેશન સંબંધિત માહિતી માંગી હતી, પરંતુ અમેરિકાએ તે આપવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ ભારતે પોતાનું GPS તૈયાર કરી લીધું.
નૉટી બૉય’થી ‘સ્માર્ટ બૉય’
આ મિશનનું એક અન્ય મહત્વપૂર્ણ પાસું લોન્ચ વ્હીકલનું પ્રદર્શન પણ રહ્યું. GSLV Mk-IIને ક્યારેક ISROનો ‘નૉટી બૉય’ કહેવામાં આવતો હતો, કારણ કે તેના શરૂઆતના વર્ષોમાં ઘણી નિષ્ફળતાઓ અને ખાસ કરીને ક્રાયોજેનિક ટેક્નોલોજી સાથે જોડાયેલા પડકારો સામે આવ્યા હતા. 20 પ્રક્ષેપણોમાંથી છ નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે તેને અવિશ્વસનીય માનવામાં આવતો હતો.
પરંતુ વર્ષોની મહેનત અને તકનીકી સુધારાઓએ આ તસવીર બદલી નાખી. આ જ રોકેટ હવે અવકાશ સમુદાયમાં ISROના ‘સ્માર્ટ બૉય’ તરીકે ઓળખાવા લાગ્યું છે. તેણે તાજેતરના વર્ષોમાં અનેક મહત્વપૂર્ણ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે અને તાજેતરમાં ભારત-અમેરિકાના સંયુક્ત NISAR મિશનને પણ લોન્ચ કર્યું હતું.
લગભગ 50 મીટર ઊંચા અને 420 ટન વજન ધરાવતા આ ત્રણ તબક્કાવાળા રોકેટે ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરતાં NVS-03ને ચોકસાઈપૂર્વક નિર્ધારિત ટ્રાન્સફર ઓર્બિટમાં સ્થાપિત કર્યું. ISRO માટે આ મિશન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે વર્ષ 2026નું તેનું ત્રીજું પ્રક્ષેપણ છે. આ વર્ષ સંગઠન માટે સફળતાઓ અને પડકારો બંનેનું સાક્ષી રહ્યું છે, તેથી NVS-03 મિશનને મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.
સેટેલાઇટ લોન્ચ NavIC મિશનનો ભાગ
આ સેટેલાઇટ NavIC મિશન હેઠળ લોન્ચ કરવામાં આવ્યો છે. NavICનું પૂરૂં નામ ‘નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન’ છે. આ ભારતની પોતાની પ્રાદેશિક સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ છે, જેને ISRO દ્વારા વિકસાવવામાં આવી છે.