Iron Deficiency: શરીરમાં આયરનની ખામીના એવા 5 લક્ષણો જેને 99 ટકા મહિલાઓ સામાન્ય સમજી ઈગ્નોર કરે છે

By: Nation Gujarat Team
19 Aug, 2026

Iron Deficiency Symptoms: આપણું શરીર સ્વસ્થ રહે તે માટે જરૂરી છે કે શરીરમાં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ સહિતના પોષક તત્વો સંતુલિત માત્રામાં હોય. કારણ કે શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે અલગ અલગ પોષક તત્વોની જરૂર હોય છે. આવા જ પોષક તત્વો માંથી એક છે આયરન. આયરન આપણા શરીરમાં હિમોગ્લોબિન બનાવવામાં મદદ કરે છે. જો શરીરમાં આયરન ઓછું હોય તો અલગ અલગ પ્રકારની સમસ્યાઓ વધી શકે છે.

આયરનની ખામી મહિલાઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. શરીરમાં આયરન ઓછું હોય ત્યારે કેટલાક સંકેતો પણ જોવા મળે છે પરંતુ મોટાભાગની મહિલાઓ આ લક્ષણોને સામાન્ય તકલીફો સમજીને ઇગ્નોર કરે રાખે છે. આજે આયરનની ખામીના આવા જ લક્ષણો વિશે જાણીએ.

વધારે પ્રમાણમાં વાળ ખરવા 

વાળ ખરે છે તેવી ફરિયાદ અનેક મહિલાઓ કરે છે પરંતુ વાળ ખરવાના કારણ વિશે જાણકારી મેળવતી નથી. વાળ ખરવાનું એક કારણ આયરનની ઉણપ પણ હોઈ શકે છે. જો અચાનક જ વાળ ખરવાનું પ્રમાણ વધી જાય તો તેનું કારણ આયર્નની ઉણપ પણ હોઈ શકે છે.

શ્વાસ ફુલવો 

થોડું ઝડપથી ચાલવાનું થાય કે પછી વજન ઊંચકવાનું થાય તો શ્વાસ ફુલવા લાગે તો આ તકલીફને પણ સામાન્ય ગણવી નહીં. શરીરમાં આયરન ઓછું હોય ત્યારે રોજના કામ કરવામાં પણ સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને નાના મોટા કામ કરવામાં પણ શ્વાસ ચડવાની તકલીફ થઈ શકે છે.

વધારે ઠંડી લાગવી 

જો તમને પરિવારના અન્ય લોકોની સરખામણીમાં વધારે ઠંડી લાગે છે તો હોઈ શકે છે કે તમારા શરીરમાં આયરનની ખામી હોય. નોર્મલ ટેમ્પરેચરમાં પણ વધારે ઠંડી લાગવી આયરનની ઉણપનું લક્ષણ હોઈ શકે છે. આવું એટલા માટે થાય છે કે શરીરમાં આયરન ઓછું હોય તો શરીરની ગરમી ઉત્પન્ન કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.

ઊંઘ પૂરી થયા પછી પણ સુસ્તી 

ઉજાગરો થયો હોય અને રાત્રે ઊંઘ ન થઈ હોય તો બીજા દિવસે સુસ્તી રહે તે સામાન્ય હોઈ શકે પરંતુ રોજ પૂરતી ઊંઘ લીધા પછી પણ શરીરમાં એનર્જી ન હોય અને સુસ્તી લાગે તો આ લક્ષણને ઇગ્નોર કરવું નહીં. આ લક્ષણ આયરનની ખામી દર્શાવે છે.

સ્કિન પીળી દેખાવી 

શરીરમાં આયરન ઓછું હોય તો સ્કિન ધીરે ધીરે ફિક્કી દેખાવા લાગે છે. ઘણી વખત સ્કિન પર પીળી ઝાંયી દેખાવા લાગે છે. સ્કિનમાં થતો ફેરફાર હિમોગ્લોબિન ઓછું હોવાના કારણે હોઈ શકે છે.

ઉપર જણાવેલા 5 લક્ષણોમાંથી કોઈપણ એક લક્ષણ પણ લાંબા સમય સુધી જોવા મળે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડોક્ટરના જણાવ્યા અનુસાર લોહીની તપાસ કરાવીને હિમોગ્લોબીન લેવલ ચેક કરાવવું.

આયરનની ઉણપ દૂર કરવાનો ઉપાય 

જો શરીરમાં આયરન ઓછું હોય અને તમે કુદરતી રીતે શરીરમાં આયરનનું લેવલ જાળવી રાખવા માંગો છો તો આહારમાં પાલક, બીટ, ગોળ, કાળા ચણા અને દાડમ જેવી ભરપૂર વસ્તુઓનું સેવન કરો. આવી વસ્તુઓને લીંબુ ઉમેરીને લેવાથી ફાયદો થાય છે કારણ કે વિટામિન સી આયરનના અવશોષણમાં મદદ કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. nationgujarat.com તેની પુષ્ટિ કરતું નથી.)


Related Posts

Load more