T20 વર્લ્ડકપ 2024ની સૌથી મોટી અને રોમાંચક મેચ આગામી 9મી જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેગા મેચ T20 વર્લ્ડકપ 2024 ની 19મી મેચ હશે, જે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા નેટ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.
નેટ સેશન દરમિયાન ઇજાગ્રસ્ત થયો કેપ્ટન રોહિત શર્મા
નેટ સેશન દરમિયાન 37 વર્ષીય ભારતીય કેપ્ટનના અંગૂઠા પર બૉલ વાગ્યો હતો, જેના પછી ટીમના ફિઝિયો તરત જ તેમની પાસે પહોંચ્યા હતા. બોલ વાગ્યા પછી રોહિતે પોતાનો ગ્લવ્ઝ ઉતાર્યો અને તેના અંગૂઠા તરફ જોયું અને પછી ફિઝિયોએ તેની તપાસ કરી. જોકે, ટેસ્ટિંગ બાદ કેપ્ટન સંપૂર્ણ રીતે ઠીક દેખાયો અને ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી હતી. આવી સ્થિતિમાં એવું લાગે છે કે તે પાકિસ્તાન સામેની મેચ માટે તૈયાર છે.
આયલેન્ડ વિરૂદ્ધ રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન
ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી તેની પ્રથમ મેચમાં ભારતે આયરલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં રોહિત શર્માએ 37 બોલમાં 52 રન બનાવ્યા હતા, પરંતુ બોલ વાગવાને કારણે તેને 10મી ઓવર બાદ મેદાન છોડવું પડ્યું હતું.
ન્યૂયોર્કના ખરાબ સ્ટેડિયમ પર આવ્યું આઇસીસીનું નિવેદન
ભારત અને આયરલેન્ડ વચ્ચેની મેચના એક દિવસ બાદ ICCએ ગુરુવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે- “નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી ઉપયોગમાં લેવાતી પિચો અપેક્ષાઓ પ્રમાણે નથી.”
ICC એ એમ પણ કહ્યું કે “વર્લ્ડ ક્લાસ ગ્રાઉન્ડસ્કીપિંગ ટીમ ગઈકાલની મેચથી પિચના સમારકામમાં વ્યસ્ત છે, જેથી બાકીની મેચો માટે વધુ સારી પિચ તૈયાર કરી શકાય.”
ભારત વિરૂદ્ધ પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારતીય ટીમ:- રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ.
પાકિસ્તાની ટીમઃ- બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઉસ્માન ખાન, ફખર ઝમાન, શાદાબ ખાન, ઈમાદ વસીમ, ઈફ્તિખાર અહેમદ, શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ આમિર, હરિસ રઉફ અને નસીમ શાહ.