IND VS AUS – સિડની ટેસ્ટ રોહીત શર્માની છેલ્લી મેચ હોઇ શકે છે

By: nationgujarat
30 Dec, 2024

Rohit Sharma : ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રોહિતે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લઇ લીધો છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 (WTC)ના ફાઇનલમાં નહીં પહોંચે તો તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની સિડની ખાતે રમાનારી છેલ્લી અને પાંચમી ટેસ્ટ પછી તે ક્રિકેટને અલવિદા કહી શકે છે. હકીકતમાં રોહિત શર્મા છેલ્લી કેટલીક ટેસ્ટ મેચોમાં પોતાના ખરાબ પ્રદર્શનને કારણે સંઘર્ષ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન ટેસ્ટ સીરિઝમાં તેણે 3 મેચમાં માત્ર 31 રન જ બનાવ્યા છે.

શું રોહિત ક્રિકેટને અલવિદા કરી દેશે? 

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, હાલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના વરિષ્ઠ અધિકારીઓ અને પસંદગીકારો વચ્ચે ટીમમાં રોહિતના સ્થાનને લઈને ચર્ચા ચાલી રહી છે. જો ભારત WTC ફાઇનલમાં પહોંચી જશે તો કેપ્ટન રોહિત શર્મા પસંદગીકારોને પોતાને આગળ રમવા દેવા માટે મનાવવાનો પ્રયાસ કરશે. જો કે, અટકળો લગાવાઈ રહી છે કે આવું થવાની શક્યતાઓ ઓછી છે. તેથી સિડનીમાં રમાનારી પાંચમી ટેસ્ટ મેચ તેની છેલ્લી મેચ હોઈ શકે છે.

રોહિતનું સતત નિરાશાજનક પ્રદર્શન 

ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન રોહિત શર્મા સતત નિરાશાજનક પ્રદર્શન કરી રહ્યો છે. ઘરઆંગણે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની સીરિઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. આ સીરિઝની 3 મેચમાં રોહિતે માત્ર 91 રન જ બનાવ્યા હતા. હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં ભારતે રોહિત શર્માની કેપ્ટન્શીપમાં ત્રણ મેચ રમી હતી જેમાં ભારતે 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે 3 મેચની 5 ઇનિંગ્સમાં માત્ર 31 રન બનાવ્યા હતા. જેમાં તેણે અનુક્રમે 3, 6, 10, 3 અને 9 રન બનાવ્યા હતા.


Related Posts

Load more