ICC Odi World Cup 2027 : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં વનડે વર્લ્ડ કપ 2027 ના સત્તાવાર કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ક્રિકેટનો આ મહાકુંભ 2 ઓક્ટોબર 2027 થી શરૂ થશે, જ્યારે ટાઇટલ મુકાબલો 21 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે કેપટાઉનમાં કરશે.
આઇસીસી દ્વારા વનડે ક્રિકેટના સૌથી મોટા ટૂર્નામેન્ટનું શિડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ મેગા ઇવેન્ટનું સંયુક્ત આયોજન દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટૂર્નામેન્ટની શરૂઆત 2 ઓક્ટોબર 2027 થી થશે અને 21 નવેમ્બર 2027 ના રોજ ફાઇનલ મેચ રમાશે.
આ વખતે આઇસીસીએ જૂના ફોર્મેટમાં મોટા ફેરફારો કરીને ટૂર્નામેન્ટને વધુ રોમાંચક બનાવવાની રૂપરેખા તૈયાર કરી છે. આફ્રિકન પીચોની ઝડપ અને ઉછાળ વચ્ચે વિશ્વની શ્રેષ્ઠ ટીમો વિશ્વ વિજેતા બનવા માટે બાખડશે.
ભારતીય ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટો ઉત્સાહ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કરનો હોય છે. આઇસીસીએ બંને કટ્ટર હરીફોને એક જ ગ્રુપમાં રાખ્યા છે. આ હાઇ-વોલ્ટેજ મુકાબલો 10 ઓક્ટોબરના રોજ જોહાનિસબર્ગના ઐતિહાસિક મેદાન પર રમાશે.
7 ઓક્ટોબર 2027: ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (કેપટાઉન)
10 ઓક્ટોબર 2027: ભારત વિરુદ્ધ પાકિસ્તાન (જોહાનિસબર્ગ)
14 ઓક્ટોબર 2027: ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન (સેંચુરિયન)
17 ઓક્ટોબર 2027: ભારત વિરુદ્ધ ક્વોલિફાયર-એ ટીમ (સ્થળ ટૂંક સમયમાં)
24 ઓક્ટોબર 2027: ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે (સ્થળ ટૂંક સમયમાં)
2027 વર્લ્ડ કપની રચના અગાઉના વર્લ્ડ કપ કરતાં સાવ અલગ છે. ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ બે ટીમો સીધી બહાર થઈ જશે. તે પછી બાકી બચેલી 12 ટીમો વચ્ચે ટ્રોફી માટે મુખ્ય સ્પર્ધા થશે, જેને બે અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
ગ્રુપ-એ: ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને ક્વોલિફાયર-એ.
ગ્રુપ-બી: દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ક્વોલિફાયર-બી.
ગ્રુપ-એ માં ભારત, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા એકસાથે હોવાથી તેને ‘ગ્રુપ ઓફ ડેથ’ માનવામાં આવી રહ્યું છે, જ્યાં દરેક મેચ સેમિફાઇનલ જેવી સાબિત થશે.
અત્યાર સુધીમાં કુલ 10 ટીમોએ આ મેગા ઇવેન્ટ માટે સીધો પ્રવેશ મેળવી લીધો છે. રેન્કિંગના આધારે ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને સીધું સ્થાન બનાવ્યું છે. યજમાન હોવાના નાતે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને ડાયરેક્ટ એન્ટ્રી મળી છે.
જોકે, બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ સીધી ક્વોલિફાય થઈ શકી નથી અને તેને ક્વોલિફાયર રાઉન્ડમાંથી પસાર થવું પડશે. સહ-યજમાન હોવા છતાં નામીબિયા આઇસીસીનું પૂર્ણ સભ્ય ન હોવાથી તેને સીધો પ્રવેશ મળ્યો નથી. બાકીની 4 ટીમો ક્વોલિફાયર મુકાબલા રમીને મુખ્ય ટૂર્નામેન્ટમાં જગ્યા બનાવશે.