ગુજરાતમાં જમીન મામલે ઐતિહાસિક નિર્ણય,જાણી લો નવા નિયમો

By: Nation Gujarat Team
01 Apr, 2026

રાજ્ય સરકારે 75 વર્ષ જૂના ‘ટુકડા ધારા-1947’માં મોટા સુધારા કર્યા છે. હવે સમગ્ર રાજ્યમાં ગ્રામીણ જમીન માટે લઘુત્તમ 10 ગુંઠાનો સમાન નિયમ લાગુ થશે. રાજ્ય સરકારે આઝાદી પછી પ્રથમવાર 75 વર્ષ જૂના ‘ટુકડા ધારા-1947’માં ધરખમ સુધારા કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ રાજ્યમાં નવા સુધારાઓ લાગુ પડશે.

પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ ઐતિહાસિક વટહુકમ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સુધારાથી રાજ્યના લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત મળશે. રાજ્ય સરકારે ઉદારતા દાખવીને નિર્ણય કર્યો છે કે, વર્ષ 1948થી નવા કાયદાના અમલ સુધીમાં, જે કિસ્સાઓમાં જમીનના નિયમ કરતા નાના ટુકડા પડ્યા હોય અથવા કાયદાનું ઉલ્લંઘન થયું હોય, તેવા તમામ જૂના ભંગને કોઈપણ પ્રકારનો દંડ વસૂલ્યા વગર ‘રેગ્યુલાઈઝ’ (વિનિયમિત) કરવામાં આવશે. પરંતુ હવે આ તમામ વ્યવહારો આપોઆપ વિનિયમિત થઈ જશે અને કાયદેસર ગણાશે.

રાજ્યમાં હવે 10 ગુંઠાનો એકસમાન નિયમ
અત્યાર સુધી જંત્રીના 10 ટકા પેનલ્ટી ભર્યા પછી પણ વ્યવહાર કાયદેસર થતા ન હતા અને ‘ફોક’ ગણાતા હતા, પરંતુ હવે આ ક્રાંતિકારી સુધારાથી હજારો ‘બોનાફાઇડ’ ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થશે અને રેવન્યુ કોર્ટમાં ચાલતા વર્ષો જૂના કેસોનો કાયમી નિકાલ આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, અગાઉ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પિયત, બિનપિયત, બાગાયત  અને જીરાયત જમીન માટે ટુકડાના માપદંડો અલગ-અલગ હોવાથી સામાન્ય ખેડૂત મૂંઝવણમાં રહેતો હતો. હવે આ જટિલતા દૂર કરી સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુંઠા નક્કી કરવામાં આવ્યું છે. ખેતીની ગુણવત્તા જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે નિર્ણય લેવાયો છે કે, હવેથી 10 ગુંઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં, જે ખેતીની વાયબિલિટી વધારશે.

શહેરોના વિકાસને મળશે ગતિ 
શહેરીકરણની ઝડપને ધ્યાને રાખીને, મહાનગરપાલિકા, નગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારોને આ ‘ટુકડા ધારા’માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં બિનખેતી (NA)ની પ્રક્રિયા, બાંધકામ અને જમીન લે-વેચના વ્યવહારો અત્યંત ઝડપી અને પારદર્શક બનશે, જેનાથી સર્વાંગી વિકાસને વેગ મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ ઉમેર્યું હતું કે, સેટલમેન્ટ કમિશનર બીજલ શાહના અધ્યક્ષપદે રચાયેલી કમિટીના ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ આ ભલામણો સ્વીકારવામાં આવી છે. ડબલ એન્જિન સરકારના આ નિર્ણયથી જનતાના આશીર્વાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને મળશે.

આ નિર્ણયથી ખેડૂતોની આર્થિક ઉન્નતિ થશે અને જમીન સંબંધી વિવાદોમાં જે નાણાં અને સમયનો વ્યય થતો હતો, તેનો કાયમી અંત આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.


Related Posts

Load more