ગુજરાતમાં વીજ બિલના ફ્યૂલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો, સામાન્ય નાગરિકોને કોઈ લાભ નહીં

By: Krunal Bhavsar
02 Sep, 2025

રાહત ના સમાચારગુજરાતના વીજ ગ્રાહકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. હવે માસિક વીજ બિલમાં ઘટાડો જોવા મળશે. કારણ કે રાજ્ય સરકાર દ્વારા ફ્યૂલ સરચાર્જ એટલે કે ફ્યૂલ પ્રાઇસ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ (FPPPA)માં 15 પૈસાનો ઘટાડો કરાયો છે. નાણાં મંત્રી કનુ દેસાઈએ આ અંગે જણાવ્યું હતું કે, ‘1 જુલાઈ, 2025થી આ ઘટાડો લાગુ થશે. આ ચાર્જ ઘટાડો સરકારી વીજ કંપનીઓ એવી PGVCL, MGVCL, UGVCL,DGVCLના ગ્રાહકોને જ લાગુ પડશે.’ જો કે, આ નજીવા ઘટાડાથી સામાન્ય જનતાને કોઈ મોટો લાભ થવાની આશા નથી.

Fuel surcharge : ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી  કનુભાઈ દેસાઈ એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ-૨૦૨૫થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે ૧૫ પૈસા ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી તા. ૦૧.૦૭.૨૦૨૫થી કરેલા વીજ વપરાશ ઉપર તમામ શ્રેણીના વીજ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ રૂ. ૨.૩૦ના ઘટાડેલા દરે વસૂલાત કરવામાં આવશે. વીજ નિયમન આયોગ (GERC) દ્વારા કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી આ દર યથાવત રહેશે. ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર-૨૦૨૫ દરમિયાન વીજ વપરાશ ઉપર આશરે રૂ. ૪૦૦ કરોડથી વધુનો લાભ થશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન, સ્થિર વીજ ખરીદના દર તથા મજબૂત નાણાકીય વ્યવસ્થાપન તેમજ નોંધપાત્ર માળખાકીય કામગીરીમાં સુધારા અને દેખરેખ દ્વારા ટેકનિકલ અને વાણિજ્યિક લોસમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પ્રવર્તમાન ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે ૧૫ પૈસા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.

તમને જણાવી દઈએ કે, વીજ ગ્રાહકો પાસેથી ફ્યૂલ ચાર્જ તરીકે પ્રતિ યુનિટ રૂ. 2.45 વસૂલવામાં આવતા હતા. હવે તેમાં ફ્યૂલ ચાર્જમાં 15 પૈસાનો થશે ઘટાડો. અગાઉ ફ્યૂલ ચાર્જ 2.45 રૂપિયા હતો. જેમાં 15 પૈસાનો ઘટાડો કરાતા 2.30 રૂપિયા થશે. મહત્ત્વનું છે કે, જાન્યુઆરી 2024માં 50 પૈસા અને ઓક્ટોબર 2024માં 40 પૈસાનો ઘટાડો કરાયો હતો.


Related Posts

Load more