મોરબી જિલ્લામાં વીજપોલ અને હાઈટેન્શન લાઈનોના વળતરનો મુદ્દો ફરી એકવાર રાજ્યના રાજકારણમાં ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સિરામિક એસોસિયેશનના એક કાર્યક્રમમાં બોલતા રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આ મુદ્દે ખુલીને વાત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સરકાર કે કોઈ કંપની ખેડૂતોની જમીન છીનવીને ક્યાંય લઈ જવાની નથી, જમીન હંમેશાં ખેડૂતોની જ રહેશે.
વળતરના વિવાદ અંગે મંત્રીએ ઉમેર્યું હતું કે, સરકાર એક થાંભલા દીઠ લાખો રૂપિયાનું માતબર વળતર ચૂકવી રહી છે, જે આર્થિક રીતે ઓછું કહી શકાય નહીં. વીજલાઈન અને થાંભલા નાખવાની પ્રક્રિયા દરમિયાન તણાવને કારણે પોતાનું વજન પણ ઘટી ગયું હતું તેવી હળવાશની શૈલીમાં તેમણે પોતાની મુશ્કેલીઓ પણ રજૂ કરી હતી. સાથેસાથે તેમણે એવું પણ નિવેદન આપ્યું હતું કે લોકશાહીમાં સરકાર ‘સોબર’ (શાંત) રહેતી હોવાથી તેને અવારનવાર વધુ પડતી રજૂઆતો કે વિરોધનો સામનો કરવો પડે છે.
બીજી બાજુ, જેતપર સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતો દ્વારા આ વળતર નીતિ સામે ભારે વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે અને તેને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. ખેડૂત સંગઠનોની સ્પષ્ટ માંગ છે કે જમીનની કાયમી નુકસાની સામે માત્ર બજાર કિંમતના બે ગણા નહીં, પરંતુ ચાર ગણું વળતર મળવું જોઈએ. તેમજ ખેડૂતોની લેખિત સંમતિ વગર કોઈપણ ખાનગી કંપની દ્વારા લાઈનો પસાર ન કરવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ મામલે જો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને ગાંધીનગર સુધી લંબાવવાની પણ ખેડૂતો દ્વારા તૈયારી દર્શાવાઈ છે. ત્યારે હવે આ મામલો આગામી સમયમાં કેવો વળાંક લેશે તે જોવું રહ્યું…