બનાસકાંઠાના વાવ તાલુકાના રાણાવાડા ગામે બાળકોના સ્વાસ્થ્યને સર્વોપરી રાખીને એક અનુકરણીય અને ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. ગામમાં બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાતા નમકીનના પડીકા અને જંક ફૂડના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રામજનોની આ પહેલથી સમગ્ર વિસ્તારમાં આશ્ચર્ય સાથે ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
આગામી 1 સપ્ટેમ્બરથી રાણાવાડા ગામની કોઈપણ કરિયાણાની દુકાનમાં નમકીન કે વેફર્સના પેકેટ્સ લાવીને વેચી શકાશે નહીં. ગામના વડીલો અને યુવાનોએ એક સૂર થઈને સર્વાનુમતે આ નિયમ બનાવ્યો છે. હાલ દુકાનોમાં જે જૂનો સ્ટોક પડી ગયો છે, તે પૂરો થયા બાદ કોઈપણ દુકાનદાર નવો સ્ટોક મંગાવી શકશે નહીં અને જો કોઈ નિયમ તોડશે તો યોગ્ય દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.
આજના આધુનિક યુગમાં બાળકો ઘરના પૌષ્ટિક ખોરાકને બદલે ઓનલાઈન માર્કેટિંગ અને પેકેજ્ડ ફૂડ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. જેના કારણે નાની વયે જ ગંભીર બિમારીઓ અને સ્વાસ્થ્ય સંબંધિત જોખમો વધી રહ્યા છે. આ જ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને રાણાવાડા ગામના અગ્રણીઓએ આ કડક પગલું ભરીને એક નવો રાહ ચીંધ્યો છે.
ગામમાં બાળકો માટે એક સ્વસ્થ, નિર્મળ અને આરોગ્યપ્રદ વાતાવરણ જળવાઈ રહે તે માટે ગ્રામજનો દ્વારા લેવાયેલ આ ઐતિહાસિક નિર્ણય હાલ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. અન્ય ગામો પણ આમાંથી પ્રેરણા લઈને આવા નિર્ણયો લે તેવી લોકચર્ચા જાગી છે.
બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને શારીરિક વિકાસ માટે ગ્રામજનોએ લીધેલ આ કડક પગલું ખરેખર પ્રશંસનીય છે, જે આવનારી પેઢી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.