લાડલી બહેના યોજના બહુ મોંઘી પડી, મને ક્યાં ખબર હતી…’: ભાજપના CMનું નિવેદન બન્યું ચર્ચાનો વિષય

By: Nation Gujarat Team
06 Oct, 2026

Mohan Yadav Ladli Bahna scheme: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્ય સરકારની મહત્ત્વની ‘લાડલી બહેના યોજના’ને લઈને એક નિવેદન આપ્યું છે, જે હાલમાં ભારે ચર્ચામાં છે. રાજધાની ભોપાલના રવીન્દ્ર ભવનમાં એક કાર્યક્રમ દરમિયાન સીએમ યાદવ એક કન્ટેન્ટ ક્રિએટરના સવાલોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે હળવાશથી કહ્યું કે, ‘લાડલી બહેના યોજના ખૂબ જ ખર્ચીલી થઈ ગઈ છે, મુખ્યમંત્રી બનતી વખતે મને તેનો કોઈ અંદાજો નહોતો.’

કન્ટેન્ટ ક્રિએટરના સવાલ પર આપ્યો જવાબ

છતરપુરની બુંદેલી કન્ટેન્ટ ક્રિએટરએ મુખ્યમંત્રીને સવાલ કર્યો હતો કે, સરકાર આટલું બધું કામ કરી રહી છે, તો હવે દીકરીઓ માટે આગળ શું નવી યોજનાઓ બનાવવામાં આવી રહી છે?’

આ સવાલના જવાબમાં મુખ્યમંત્રી મોહન યાદવે હસતા-હસતા કહ્યું કે, ‘બેટા, આ અંદરની વાત છે… મને શું ખબર હતી કે મુખ્યમંત્રી બનતા જ આર્થિક બોજ પડે છે! લાડલી બહેના યોજના ખૂબ જ ખર્ચીલી સાબિત થઈ છે.’ જોકે, તેમણે મજાકના અંદાજમાં ક્રિએટરને એમ પણ કહ્યું કે, ‘હાલ તું આ યોજના માટે યોગ્ય નથી, થોડી મોટી થઈ જા, પછી તને પણ આ યોજનાનો લાભ આપીશું.’

વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા તંજ

મુખ્યમંત્રીના આ નિવેદન બાદ રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા ઉમંગ સિંઘરે નિશાન સાધતા જણાવ્યું હતું કે, ‘ચૂંટણી પહેલાં બહેનો ‘લાડલી’ બની જાય છે અને સત્તામાં આવતા જ તે ‘પરેશાની’ બની જાય છે, આ જ ભાજપનું અસલી મહિલા સન્માન છે.’

રાજ્યના ખજાના પર વાર્ષિક મોટો આર્થિક બોજ

મધ્યપ્રદેશ સરકાર હાલમાં ‘લાડલી બહેના યોજના’ અંતર્ગત પાત્ર મહિલાઓને દર મહિને 1500 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજના પાછળ રાજ્યના ખજાનામાંથી વાર્ષિક આશરે 22,680 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે. ઉલ્લેખનીય છે કે આ યોજનાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 28 જાન્યુઆરી 2023ના રોજ કરી હતી, જેમાં શરૂઆતમાં 1000 રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું, જે સમય જતાં વધારીને હવે 1500 રૂપિયા કરવામાં આવ્યા છે.


Related Posts

Load more