ગૌતમ અડાણીની કંપની બનાવશે સ્ટીલ્થ ફાઇટર જેટ,15 હજાર કરોડનો પ્રોજકેટ

By: nationgujarat
01 Sep, 2025

ગૌતમ અદાણીની કંપની હવે ફાઇટર જેટ બનાવશે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે સંરક્ષણ મંત્રાલયના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે, જે ભારતના મુખ્ય પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ પ્રોજેક્ટ છે. કંપનીના CEO આશિષ રાજવંશીએ જણાવ્યું હતું કે આ પ્રોગ્રામ હાલમાં એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EoI) તબક્કામાં છે અને 30 સપ્ટેમ્બર સુધીમાં પ્રતિભાવો આપવાના રહેશે.

AMCA સ્ટીલ્થ જેટ પ્રોજેક્ટ માટે બોલી લગાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે અને અદાણી ડિફેન્સે તેમાં રસ દાખવવાની પુષ્ટિ કરી છે. રાજવંશીના જણાવ્યા અનુસાર, AMCA પ્રોજેક્ટ 10 વર્ષનો વિકાસ કાર્યક્રમ છે, જેના હેઠળ 2034-35 સુધીમાં પ્રથમ ફાઇટર એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાના કાફલામાં જોડાય તેવી અપેક્ષા છે. તેમણે કહ્યું કે જો સફળ થશે, તો અમે પછીથી ઝડપી ઉત્પાદન શરૂ કરીશું.

ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ સંરક્ષણ અને એરોસ્પેસ ઉત્પાદનોના ઉત્પાદનમાં સામેલ છે. આમાં ડ્રોન, સબમરીન વિરોધી યુદ્ધ પ્રણાલી, મિસાઇલો, નાના શસ્ત્રો અને રડાર તેમજ ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં AMCA કાર્યક્રમને મંજૂરી આપી છે, જેણે પહેલીવાર આ કાર્યક્રમને સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોની ભાગીદારી માટે ખુલ્લો મૂક્યો છે. સરકારે પ્રારંભિક તબક્કામાં આ પ્રોજેક્ટ પર લગભગ 15,000 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ લગાવ્યો છે, જેમાં ADA એ પ્રોટોટાઇપ વિકાસ, પરીક્ષણ અને પ્રમાણપત્રમાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે વ્યવસાયિક જૂથોને આમંત્રણ આપ્યું છે.સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) હેઠળ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) દ્વારા સંચાલિત AMCA પ્રોજેક્ટ, ભારતનો અત્યાર સુધીનો સૌથી મહત્વાકાંક્ષી ફાઇટર એરક્રાફ્ટ વિકાસ કાર્યક્રમ છે અને તેને ટ્વીન-એન્જિન 5મી પેઢીના સ્ટીલ્થ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે જે હવાઈ, જમીન હુમલો અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ મિશન કરવા સક્ષમ હશે.ભારત સરકારના આ પ્રોજેક્ટ માટે અરજી કરવાની સ્પર્ધામાં અદાણી ડિફેન્સ ઉપરાંત, ઘણી અન્ય કંપનીઓ હોવાનું કહેવાય છે. આમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ, એલ એન્ડ ટી, મહિન્દ્રા એરોસ્પેસ, ડાયનેમિક ટેક્નોલોજીસ, ભારત ફોર્જ, આઝાદ એન્જિનિયરિંગ, ગોદરેજ એરોસ્પેસનો સમાવેશ થાય છે.


Related Posts

Load more