શું હવે મેનકાગાંધીના નિવેદનનો વિરોધ કરવા સનાતન ધર્મના સાધુસંતો બેઠક કરશે ?

By: nationgujarat
28 Sep, 2023

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ મેનકા ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આમાં તેઓ કહી રહ્યા છે કે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) તેની ગૌશાળાની ગાયો કસાઈઓને વેચે છે. ભારતમાં હાલમાં સૌથી મોટી છેતરપિંડી કરનાર ઈસ્કોન છે. તેઓએ ગાય આશ્રયસ્થાનોની સ્થાપના કરી, જે ચલાવવા માટે તેઓ સરકાર તરફથી અસંખ્ય લાભ મેળવે છે.

તેમને મોટી જમીનો મળે છે. આમ છતાં જે ગાયો દૂધ નથી આપતી તે ગાયોને કસાઈઓને સોંપી દેવામાં આવે છે. તેમની ગૌશાળામાં એક પણ વાછરડું કે એકપણ નબળી (વૃદ્ધ) ગાય નથી. મેનકાએ આ વાત એક યુટ્યૂબરને આપેલા ઈન્ટરવ્યૂમાં કહી છે.

મેનકા ગાંધીએ વધુમાં કહ્યું કે હું આંધ્રપ્રદેશના અનંતપુરમાં ઈસ્કોનની ગૌશાળામાં ગઈ હતી. ગૌશાળામાં એક પણ ગાય એવી મળી ન હતી જે દૂધ આપતી ન હોય. તેમજ કોઈ વાછરડું પણ મળ્યું ન હતું. આનો સ્પષ્ટ અર્થ એ છે કે તેઓ (ઇસ્કોન) દૂધ ન આપતી ગાયો અને વાછરડાઓ વેચે છે.

અમે આ વિશે મેનકા ગાંધી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહીં.

મેનકાએ કહ્યું- ઈસ્કોને જેટલાં પશુઓ કસાઈઓને વેચ્યાં છે તેટલાં કોઈએ વેચ્યાં નથી
મેનકા ગાંધીએ કહ્યું કે ઈસ્કોન કસાઈઓને ગાય વેચી રહ્યું છે. તેઓ જે કરે છે તેવું તો બીજું કોઈ નથી કરતું. તેઓ શેરીઓમાં ‘હરે રામ હરે કૃષ્ણ’ ગાય છે. ત્યારે તેઓ કહે છે કે તેમનું આખું જીવન દૂધ પર નિર્ભર છે. કદાચ, ઇસ્કોને જેટલાં પશુઓ કસાઈઓને વેચ્યા હોય તેટલા કોઈએ વેચ્યા નથી. જો આ લોકો આવું કરી શકે તો આપણે બીજા પાસેથી શું અપેક્ષા રાખી શકીએ.

ઇસ્કોને કહ્યું- મેનકાના આરોપો ખોટા છે
ઈસ્કોને મેનકા ગાંધીના આરોપોને નકારી કાઢ્યા છે. ઇસ્કોનના પ્રવક્તા યુધિષ્ઠિર ગોવિંદ દાસે કહ્યું- મેનકા ગાંધી આંધ્રપ્રદેશના અનંતપુરમાં ગૌશાળા વિશે કહી રહ્યાં છે, એવી 250થી વધુ ગાયો છે જે દૂધ નથી આપતી. ત્યાં પણ સેંકડો વાછરડાં છે. મેનકાના આરોપો ખોટા અને પાયાવિહોણા છે.

ઇસ્કોન માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પશુઓના સંરક્ષણ અને સંભાળમાં મોખરે રહ્યું છે. અમારી ગાયો અને બળદની આજીવન સંભાળ રાખવામાં આવે છે અને કસાઈઓને વેચવામાં આવતાં નથી. ઇસ્કોને સ્પષ્ટતામાં એક પત્ર પણ જારી કર્યો હતો.

ઇસ્કોને કહ્યું- છેલ્લાં પચાસ વર્ષોમાં, ઇસ્કોન વિશ્વભરમાં ગાય સંરક્ષણ અને શાકાહારમાં અગ્રેસર રહ્યું છે અને ઘણા દેશોમાં ગાય આશ્રયસ્થાનોનું નિર્માણ અને જાળવણી કરી રહ્યું છે. ઇસ્કોન ભારતમાં 60થી વધુ ગૌશાળાઓનું સંચાલન કરે છે, જ્યાં તમામ ગાયો, બળદ અને વાછરડાઓને પ્રેમ અને સંભાળ સાથે રાખવામાં આવે છે.

આમાંની ઘણી ગૌશાળાઓમાં ગાયો અને બળદોને ઇજાગ્રસ્ત અથવા રોગગ્રસ્ત હાલતમાં લાવવામાં આવે છે, ઇસ્કોન ગૌશાળા સ્વયંસેવકો અને કાર્યકરોની ટીમ દ્વારા તેમની સંભાળ પણ લે છે. ગાય સેવાની સનાતન પ્રથાને પુનર્જીવિત કરવા માટે સમગ્ર ભારતમાં ગાયની સંભાળ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઇસ્કોન અને તેની પહેલોની પ્રશંસા કરી છે.


Related Posts