અમદાવાદ: ગાંધીનગર નજીક આવેલા અંબાપુર પાસે લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે. ગત મોડી રાતે કેનાલ પાસે એક કારમાં બેઠેલા યુવક-યુવતી પર અન્ય એક યુવકે હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે. હાલ પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગાંધીનગર એસ.પી. પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ આ ઘટનામાં ઘાયલ યુવતીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.સલામત અમદાવાદના દાવા ફરી એકવાર પોકળ સાબિત થયા છે. ગાંધીનગર પાસે આવેલા અંબાપુર ખાતે ગત મોડી રાત્રે લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે. ગત મોડી રાત્રે કેનાલ પાસે એક કારમાં યુવક-યુવતી બેઠા હતા ત્યારે ત્યાં આવી ચઢેલા અન્ય એક યુવકે યુવક-યુવતી સાથે ઝઘડો કર્યો હતો અને યુવક સાથે મારામારી કરી હતી. આ ઘટનામાં યુવતી પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હાલ યુવતીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.આ ઘટનાની જાણ થતા અડાલજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ ઘટના મામલે FSL અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગાંધીનગર એસ.પી. પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.આ ઘટના અંગે ડીવાયએસપી પિયુષ વાંદાએ જણાવ્યું કે, ગત રાત્રે આ ઘટના બની છે. કેનાલ પર આવેલા યુવકે કારમાં બેઠેલા યુવકની હત્યા કરી છે. મારામારીમાં યુવતી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. હાલ યુવતી કશું કહી શકે તેવી હાલતમાં નથી. જ્યારે યુવતી ભાનમાં આવશે ત્યારે વધુ માહિતી મળી શકશે. હત્યા બાદ યુવકની કાર કેનાલના બ્રિજ પરથી મળી આવી છે. હાલ FSLની ટીમ તેમજ ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે.મહત્વનું છે કે, અગાઉ નર્મદા કેનાલ પર અનેક આકસ્મિક ઘટનાઓ બની ચૂકી છે. હવે હત્યાની ઘટના પણ સામે આવી છે. જોકે, કેનાલ રોડ પર ક્યાંય સીસીટીવી નથી જેથી પોલીસને પણ તપાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.