G-20 સમિટ આજથી એટલે કે 9 સપ્ટેમ્બરથી નવી દિલ્હીમાં શરૂ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરોક્કોમાં ભૂકંપના પીડિતોને શ્રદ્ધાંજલિ આપીને G20 સમિટમાં પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે અમે દુઃખની ઘડીમાં તેમની સાથે છીએ. વિશ્વમાં વિશ્વાસનું સંકટ ઊભું થયું છે. 21મી સદી દુનિયાને એક નવી દિશા આપવા જઈ રહી છે. આ પછી PMએ આફ્રિકન યુનિયનને G20નું કાયમી સભ્ય બનાવવાનો પ્રસ્તાવ પાસ કર્યો. આ મામલે સમિટમાં પહોંચેલા આફ્રિકન યુનિયનના વડા અજાલી અસોમાની PMને ભેટી પડ્યા હતા. ભારત મંડપમ પહોંચેલા સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષને PM મોદીએ રિસીવ કર્યા હતા.
મોદીએ કહ્યું- વિશ્વમાં વિશ્વાસનું સંકટ ઊભું થયું
G-20 સમિટમાં PM મોદીએ કહ્યું કે કોરોના પછી વિશ્વમાં વિશ્વાસનું સંકટ ઊભું થયું. યુક્રેન યુદ્ધે આ સંકટને વધુ ઘેરુ બનાવ્યું. જ્યારે આપણે કોરોનાને હરાવી શકીએ છીએ તો પરસ્પર ચર્ચા દ્વારા વિશ્વાસના આ સંકટને પણ દૂર કરી શકીએ છીએ. આ સમય બધાએ સાથે મળીને આગળ વધવાનો છે.
આફ્રિકન યુનિયન G20નું કાયમી સભ્ય બન્યું
G20 સમિટને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું તમારા બધાની સંમતિથી આગળની કાર્યવાહી શરૂ કરતા પહેલા આફ્રિકન યુનિયનના અધ્યક્ષને જાણ કરવા માંગુ છું. G20ના કાયમી સભ્ય તરીકે હું તમને તમારું સ્થાન લેવા આમંત્રણ આપું છું. PMએ આફ્રિકન યુનિયનને G20નું કાયમી સભ્ય બનાવવાનો પ્રસ્તાવ પાસ કર્યો. આ મામલે સમિટમાં પહોંચેલા આફ્રિકન યુનિયનના વડા અજાલી અસોમાની PMને ભેટી પડ્યા હતા.