‘સેવા સંકલ્પ’થી જનઆંદોલન સુધી: PM મોદીની 25 વર્ષની જનસેવા યાત્રા ઉજવશે ગુજરાત ભાજપ

By: Nation Gujarat Team
10 Sep, 2026

ગાંધીનગર: ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેર જીવનમાં જનસેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈને ગુજરાતમાં આયોજિત થનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસેવા અને સમર્પણના 25 વર્ષ આગામી 7 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યા છે. આ યાત્રાને માત્ર રાજકીય સફર નહીં પરંતુ એક કાર્યકર્તાના રાષ્ટ્રસેવા અને જનસેવાના સંકલ્પની અવિરત સાધના તરીકે રજૂ કરવામાં આવી. વડાપ્રધાનના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી દેશભરમાં એક મહિના માટે ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાશે. તેનો મુખ્ય ઉદ્દેશ 25 વર્ષની જનસેવા, સમર્પણ અને સેવાભાવને જન-જન સુધી પહોંચાડવાનો અને સેવાભાવને જનઆંદોલન બનાવવાનો છે.

‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ પર ભાર

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના શાસનની વિશેષતા ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ રહી છે. તેમના મતે સુશાસન એટલે માત્ર નીતિઓ બનાવવી નહીં, પરંતુ તેનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યોતિગ્રામ યોજના, કન્યા કેળવણી અભિયાન અને જળસંચય અભિયાન સહિતની પહેલોનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.

ગરીબ અને વંચિત વર્ગને કેન્દ્રમાં રાખવાનો દાવો

પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગરીબ, વંચિત, પીડિત અને શોષિત વર્ગોના આર્થિક તથા સામાજિક ઉત્કર્ષને પ્રાથમિકતા આપવામાં આવી છે. જનધન યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જેવી વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

‘સેવા સંકલ્પ’માં થશે વિવિધ કાર્યક્રમો

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, 7 ઓક્ટોબરનો અવસર એક કાર્યકર્તાથી પ્રધાન સેવક સુધીની, જનસેવાથી રાષ્ટ્રસેવા સુધીની અને સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રાને જનજન સુધી પહોંચાડવાનો અવસર છે. તેમના જણાવ્યા અનુસાર, ‘સેવા સંકલ્પ અભિયાન’નો મૂળ ભાવ સેવાને સંકલ્પ સાથે, સંકલ્પને જનભાગીદારી સાથે અને જનભાગીદારીને ‘વિકસિત ભારત’ના લક્ષ્ય સાથે જોડવાનો છે.

અભિયાનની શરૂઆત 17 સપ્ટેમ્બરે ‘સેવા દિવસ’ તરીકે રક્તદાન શિબિરોના આયોજનથી થશે. તે જ દિવસે સાંજે 7 વાગ્યે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ હેઠળ દરેક બૂથ પર પરિવારજનો અને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ દ્વારા દીપ પ્રજ્વલિત કરવામાં આવશે.

આ ઉપરાંત ‘મારા સપનાનું ભારત’ અંતર્ગત શાળાઓમાં ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાઓ, ‘નમો સેવા ગાથા—અનકહી કહાનિયા’ અંતર્ગત નાટ્ય પ્રસ્તુતિઓ, ‘આંગણાનો ઉત્સવ’ અંતર્ગત આંગણવાડી કાર્યકરો અને આશા દીદીઓનું સન્માન તથા ‘સેવાની વાર્તા’ દ્વારા સરકારની યોજનાઓથી થયેલા પરિવર્તનની વાતોને લોકો સુધી પહોંચાડવામાં આવશે.

7 ઓક્ટોબરે ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’

અભિયાન દરમિયાન 7 ઓક્ટોબરે ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ દ્વારા ‘વિકસિત ભારત’નો સંકલ્પ લેવામાં આવશે. વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર સુધી 10-10 ટુકડીઓ દ્વારા ‘સેવા યાત્રા’નું આયોજન કરવામાં આવશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ વડનગરના હાટકેશ્વર મહાદેવ અને વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવનો જળાભિષેક કરવાનો રહેશે.

આ સાથે ‘સેવા મારું યોગદાન’, ‘સેવા સેતુ અભિયાન—સરકાર આપના દ્વારે’, ‘સેવાના રંગ, રાષ્ટ્રના સંગ’ અને ‘સેવા ફર્સ્ટ ઈનોવેશન ચેલેન્જ’ જેવા કાર્યક્રમો પણ યોજાશે. 2 ઓક્ટોબરે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની પણ માહિતી આપવામાં આવી હતી.

આ રીતે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ચાલનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ના માધ્યમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની સેવા યાત્રાને જનભાગીદારી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ અભિયાનને ગુજરાતમાં જન-જનનું અભિયાન બનાવવાની હાકલ કરી હતી.


Related Posts

Load more