અરબ સાગરમાંથી નીકળેલા ચક્રવાત બિપરજોય ગુજરાત બાદ રાજસ્થાનમાં તબાહી મચાવી રહ્યું છે. તેની અસરને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બાડમેર, સિરોહી, બાંસવાડા, ઉદયપુર, રાજસમંદ, પાલી, અજમેર, કોટા સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં અત્યાર સુધીમાં 10 થી 13 ઇંચ વરસાદ નોંધાયો છે.
જાલોર જિલ્લાના સાંચોરમાં સુરવા ડેમ તૂટવાને કારણે અનેક વિસ્તારો ડૂબી ગયા છે. ડેમ તૂટવાને કારણે નર્મદા લિફ્ટ કેનાલમાં પાણી વધવાથી તેમાં ભંગાણ થયું છે. હવે સૌથી મોટુ જોખમ સાંચોર શહેર પર તોળાઈ રહ્યું છે. શનિવારે રાત્રે ડેમ તૂટવાની માહિતી મળતા જ સમગ્ર શહેરને ખાલી કરાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
સાંચોર શહેરથી ડેમનું અંતર 15 કિમી છે, જ્યારે શહેરની વસ્તી 50 હજાર છે. જયપુરથી આ શહેરનું અંતર 500 કિમી છે.
બાડમેર જિલ્લાના સેડવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગંગાસરા ગામના તળાવમાં ડૂબી જવાથી બે પિતરાઈ ભાઈઓના મોત થયા છે. બિપરજોયના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે.
જયપુરમાં રવિવાર સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરની સાથે જયપુર ડિવિઝનના દૌસા, અલવર જિલ્લામાં ભારે વરસાદને કારણે હવામાન બદલાયું છે.