દ્રવિડે ટી-20 સિરીઝમાં હારનું કારણ જણાવ્યું, સૌથી વધુ સવલત પણ અંતે પરિણામ શુન્ય

By: nationgujarat
14 Aug, 2023

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને રવિવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની ટી-20 સિરીઝની છેલ્લી મેચમાં 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારતીય ટીમ 3-2થી સિરીઝ હારી ગઈ હતી. ભારતીય ટીમને પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝ સાથે પાંચ કે તેથી વધુ ટી-20 મેચોની સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે.

સિરીઝ પૂરી થયા બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું, ‘આપણે આખી સિરીઝમાં સારી બેટિંગ કરી ન હતી. જેના કારણે આપણે હારનો સામનો કરવો પડ્યો હતો.

દ્રવિડે વધુમાં કહ્યું- ‘આ સિરીઝમાં આપણે કેટલીક ભૂલો કરી છે. કેટલાક ક્ષેત્રો એવા છે જેમાં સુધારો કરવો જરૂરી છે. અમે તેને ઓળખી કાઢ્યા છે. આ સાથે તેમણે ટીમનો બચાવ પણ કર્યો અને કહ્યું કે અમે યુવા અને ઉભરતી ટીમ સાથે રમી રહ્યા હતા, તેથી આવું થાય છે.

તેમણે કહ્યું, ‘ટીમે શરૂઆતની બે મેચ હાર્યા બાદ પાછી ફરી. આપણે છેલ્લી મેચમાં સારી બેટિંગ કરી ન હતી. જેના કારણે અમને સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

રોહિત સહિત સિનિયર ખેલાડીઓને બ્રેક આપવામાં આવ્યો હતો
ખરેખરમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સિરીઝમાંથી બ્રેક આપવામાં આવ્યો હતો. સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી હતી. આ સિરીઝમાં તિલક વર્મા, યશસ્વી જયસ્વાલ અને મુકેશ કુમારે ડેબ્યૂ કર્યું હતું. મુકેશ કુમારે પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ, વનડે શ્રેણીમાં ડેબ્યુ કર્યું હતું.

દ્રવિડે ડેબ્યૂ કરનાર યુવા ખેલાડીઓની પ્રશંસા કરી હતી
દ્રવિડે નવોદિત બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને તિલક વર્માની પ્રશંસા કરી અને કહ્યું કે યશસ્વી જયસ્વાલ અને તિલક વર્માએ શાનદાર ડેબ્યૂ કર્યું હતું. બંને ખેલાડીઓએ બતાવ્યું કે જે રીતે તેઓએ આઈપીએલમાં તેમની ભૂમિકા ભજવી હતી, તે જ રીતે તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ રમી શકે છે.

પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ મિડલ ઓર્ડરમાં તિલકે સારી બેટિંગ કરી હતી. તે ડાબોડી બેટ્સમેન છે. તે ભવિષ્યમાં મિડલ ઓર્ડરમાં ટીમ માટે ખાસ સાબિત થઈ શકે છે.

તેણે આ સિરીઝમાં ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર મુકેશ કુમારની પણ પ્રશંસા કરી હતી. દ્રવિડે કહ્યું કે ટીમે મુકેશને ઘણા મુશ્કેલ સમય પર બોલિંગ કરવા માટે આપી અને તેણે અહીં સારી બોલિંગ કરીને પોતાને સાબિત કર્યુો. આ ખેલાડીઓ હવે આયર્લેન્ડ જશે, તેથી આ પ્રવાસ તેમના માટે પણ ખાસ રહેશે.

હાર્દિકે હારની જવાબદારી પોતાના માથે લીધી
ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ છેલ્લી T20માં ટીમની 8 વિકેટથી મળેલી હારની જવાબદારી લીધી અને કહ્યું, ‘જ્યારે હું બેટિંગ કરવા આવ્યો ત્યારે મારે રન બનાવવાની જરૂર હતી પરંતુ હું તકનો લાભ ઉઠાવી શક્યો નહીં.’


Related Posts

Load more