શુ તમે જાણો છો ? મહાત્મા ગાંધીજી પહેલા ભારતીય ચલણી નોટો પર કોનો ફોટો હતો ?

By: nationgujarat
03 Oct, 2023

ભારતની કોઈપણ ચલણી નોટ હોય, તેના ઉપર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો જોવા મળશે જ, પરંતુ આવું હંમેશા નહોતું. 1969માં સૌ પ્રથવાર ભારતીય ચલણી નોટો પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર છાપવામાં આવી હતી. આનું પણ એક કારણ હતું. 1969ની 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 100મી જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. આ દિવસે પહેલીવાર ભારતે એક ચલણી નોટ બહાર પાડી હતી, જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો છાપવામાં આવ્યો હતો.

ભારતની ચલણી નોટ પર તે સમયના આરબીઆઈ ગવર્નર એલકે ઝાની સહી સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સેવાગ્રામના આશ્રમનો ફોટો જોવા મળ્યો હતો. આ પછી 1987માં રૂપિયા 500 ની નવી નોટ બહાર પાડવામાં આવી જેમાં ગાંધી બાપુનો ફોટો છાપવામાં આવ્યો હતો.

…તો પ્રથમ કોનો ફોટો છપાયો હતો ?

દેશ આઝાદ થયા પછી પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એ ભારતમાં ચલણી નોટો બહાર પાડવાનુ ચાલુ રાખ્યું હતું. આ ચલણી નોટ પર કિંગ જ્યોર્જ IV નો ફોટો છાપવામાં આવ્યો હતો. આઝાદ થયા બાદ, ભારત સરકારે સૌ પ્રથમવાર 1949માં એક રૂપિયાની ચલણી નોટ બહાર પાડી હતી. આ એક રુપિયાની ચલણી નોટમાં કિંગ જ્યોર્જ IVના બદલે, અશોક સ્તંભનો ફોટો રાખવામાં આવ્યો હતો.

પ્રથમ વખત મહાત્મા ગાંધી ભારતીય ચલણ પર આ રીતે દેખાયા.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના મ્યુઝિયમની વેબસાઈટમાં ઉલ્લેખ કરાયા અનુસાર, સ્વતંત્ર થયા બાદ ભારતની ચલણી નોટ પર ફોટા છાપવાના માટે ચિન્હો પસંદ કરવાના હતા. શરૂઆતમાં એવું લાગ્યું હતું કે કિંગ જ્યોર્જ IV ના ફોટાને બદલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો ફોટો લગાવવો જોઈએ. આના માટે આરબીઆઈ એ ડિઝાઇન પણ તૈયાર કરી હતી, પરંતુ અંતે સર્વસંમતિ એવી સંધાઈ હતી કે મહાત્મા ગાંધીના ફોટાને બદલે અશોક સ્તંભના ફોટાની પસંદગી કરવામાં આવી હતી. આ રીતે અશોક સ્તંભ ભારતીય ચલણી નોટનો એક ભાગ બની ગયો. જો કે, ચલણી નોટની નવી ડિઝાઇન તો મોટાભાગે પહેલાની ચલણી નોટની જેમ જ હતી તેમાં બહુ કોઈ ફેરફાર કરાયો નહતો.

આ રીતે ભારતીય નોટ બદલાતી રહી

આરબીઆઈએ એશિયાટિક સિંહો સાથેની રૂપિયા 2, 5, 10 અને 100 રૂપિયાની નોટો 1950માં બહાર પાડી હતી. ત્યાર બાદના વર્ષોમાં મોટી માત્રામાં ચલણી નોટો બહાર પાડવાની કામગીરી શરૂ થઈ. એશિયાટિક સિંહોની સાથેસાથે સાંભર હરણનો ફોટો પણ ચલણી નોટ પર છાપવામાં આવ્યો હતો. 1970માં ખેતી ક્ષેત્રને પણ પ્રધાન્ય આપવામા આવ્યું. ખેતીને ચલણી નોટોનો એક ભાગ બનાવવામાં આવ્યો હતો. ચલણી નોટો પર ખેડૂતો અને ખેત કામદારો ખેતરમાંથી ચાની પત્તી તોડી રહ્યા હોય તેવો ફોટો પણ છાપવામાં આવ્યો.

ચલણી નોટો પર મોટા ફેરફારો તો 1980થી દેખાવા લાગ્યા. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતે હાંસલ કરેલ સિદ્ધિને ચલણી નોટ નોટ્સ પર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેમ કે, આર્યભટ્ટ સેટેલાઇટને રૂપિયા 2ની ચલણી નોટ પર સ્થાન આપવામાં આવ્યું. 5 રૂપિયાની ચલણી નોટ પર કૃષિ ક્ષેત્રના યંત્રને સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે, 20 રૂપિયાની ચલણી નોટ ઉપર કોણાર્કનું ચક્ર છાપવામાં આવ્યું હતું.

બાપુ નોટનો કાયમી ભાગ ક્યારે બન્યા ?

ભારતમાં 1990 ના દાયકા સુધીમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને લાગ્યું કે, ડિજિટલ પ્રિન્ટીંગ, સ્કેનિંગ અને ફોટોગ્રાફીના વધતા જતા વ્યાપ અને ઉપયોગને કારણે, ચલણી નોટોની સુરક્ષા પૂરતી નથી. ચલણી નોટોને વધુ સુરક્ષિત બનાવવાના પ્રયાસો શરૂ થયા. સુરક્ષાની દ્રષ્ટિએ એવું માનવામાં આવતું હતું કે, માનવીના ચહેરા કરતાં ચલણી નોટ પરની અન્ય કોઈ વસ્તુઓની નકલ કરવી સરળ છે. જો ચલણી નોટ પર કોઈ માનવીનો ચહેરો છાપવામાં આવે તો, બનાવટી ચલણી નોટ છાપીને છેતરપિંડી કરનારાઓ માટે નોટની નકલ કરવી મુશ્કેલ બનશે. તેથી, મહાત્મા ગાંધીની તસવીરને ચલણી નોટનો કાયમી ભાગ બનાવવામાં આવ્યો હતો. આરબીઆઈએ અશોક સ્તંભનો ફોટો ધરાવતી ચલણી નોટોને બદલવા માટે ‘મહાત્મા ગાંધી’ શ્રેણીનું નવું ચલણ 1996 માં, રજૂ કર્યું.

નવી ચલણી નોટોમાં ઘણી વિશેષતાઓનો ઉમેરો કરવામાં આવ્યો હતો. દૃષ્ટિહીન લોકો પણ ચલણી નોટ કેટલાના દરની છે તે સરળતાથી ઓળખી શકે તેવી વ્યવસ્થા છે. અસલી અને નકલી ચલણી નોટ વચ્ચેનો તફાવત સરળતાથી સમજી શકાય તે માટે કેટલીક ગુપ્ત તસવીરો ઉમેરવામાં આવી. આ ઉપરાંત, ચલણી નોટમાં એક વિશેષતા તરીકે સુરક્ષા થ્રેડનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો.


Related Posts