India NZ Tour Squad : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની સિનિયર સિલેક્શન કમિટીએ આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા અને ઇન્ડિયા ‘એ’ ટીમોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ભારત ન્યૂઝીલેન્ડ પ્રવાસ ટીમ ઇન્ડિયા સ્ક્વોડ જાહેર થતાં જ સૌથી મોટી વાપસી અનુભવી સ્વિંગ બોલર ભુવનેશ્વર કુમારની જોવા મળી છે. “કીવી” ટીમ સામે રમાનારી 5 ટી-20 શ્રેણીમાં શ્રેયસ અય્યર કેપ્ટન તરીકે સુકાન સંભાળશે.
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડની ધરતી પર યજમાન ટીમ સામે 5 મેચોની હાઈ-વોલ્ટેજ ટી20 શ્રેણી રમવા મેદાનમાં ઊતરશે. આ સાથે જ ભવિષ્યના ટેસ્ટ સ્ટાર્સને તક આપવા માટે ઇન્ડિયા ‘એ’ ટીમ ન્યૂઝીલેન્ડ ‘એ’ સામે 3 ચાર દિવસીય (મલ્ટી-ડે) મેચોની શ્રેણી રમશે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે વનડે અને મુખ્ય ટેસ્ટ શ્રેણી માટેના દળનું એલાન આગળના તબક્કામાં કરવામાં આવશે.
ટી20 ફોર્મેટમાં શ્રેયસ અય્યરને મોટી જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે યુવા આક્રમક બેટ્સમેન તિલક વર્માને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરાયા છે. આ નિર્ણય સૂચવે છે કે મેનેજમેન્ટ આગામી આઈસીસી ટૂર્નામેન્ટ્સને ધ્યાનમાં રાખીને નવું લીડરશિપ ગ્રૂપ તૈયાર કરી રહ્યું છે. સંજુ સેમસન અને ઈશાન કિશન બંને વિકેટકીપર-બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.
સ્વિન્ગ માસ્ટર ભુવનેશ્વર કુમાર ની આશ્ચર્ય તેમજ જોરદાર વાપસી : આ સમગ્ર સ્ક્વોડ જાહેરાતનો સૌથી ભાવુક અને રોમાંચક હિસ્સો ભુવનેશ્વર કુમારની બ્લુ જર્સીમાં પરત ફરવાની ક્ષણ છે. ન્યૂઝીલેન્ડની ઝડપી અને સ્વિંગ માટે અનુકૂળ પિચો પર ભુવનેશ્વરનો અનુભવ ભારતીય પેસ એટેકને અત્યંત ઘાતક બનાવશે.
ટીમમાં ઉભરતા યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી ઉપરાંત અભિષેક શર્મા, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી અને નમન ધીર જેવા વિસ્ફોટક ઓલરાઉન્ડર્સને સમાવાયા છે. બોલિંગ આક્રમણમાં મયંક યાદવની ગતિ અને અર્શદીપ સિંહની ડેથ-ઓવર સ્કીલ્સ સાથે પ્રિન્સ યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને વરૂણ ચક્રવર્તીની સ્પિન જોડીનો સંગમ જોવા મળશે.
જાણો સંપૂર્ણ ટી–20 સ્ક્વોડ:
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, વરૂણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ.
લાંબા ફોર્મેટની ક્રિકેટ શ્રેણી માટે ઇન્ડિયા ‘એ’ ની કમાન ટેલેન્ટેડ વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલને સોંપવામાં આવી છે. આ ટીમમાં યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ અને સાઈ સુદર્શન જેવા સ્થાપિત બેટર્સ પણ રેડ બોલ ક્રિકેટમાં પોતાની લય જાળવી રાખવા રમશે.
ઇન્ડિયા ‘એ’ સ્ક્વોડમાં વિકેટકીપર ઋષભ પંતનું નામ સામેલ છે, પરંતુ તેમની ભાગીદારી તબીબી ફિટનેસ ક્લિયરન્સને આધીન રહેશે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અંશુલ કમ્બોજ, આકિબ નબી, માનવ સુથાર, મુકેશ ચૌધરી અને મુકેશ કુમાર જેવા સક્ષમ બોલર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રવાસથી ન્યૂઝીલેન્ડની ઠંડી આબોહવા અને પેસ-ફ્રેન્ડલી પરિસ્થિતિઓમાં ભારતીય બેન્ચ સ્ટ્રેન્થની ખરી કસોટી થશે.