સરકાર જાગો – સરસ્વતી સાધના યોજનામાં 8.5 કરોડનો ભ્રષ્ટાચાર, તપાસ અભરાઇએ

By: nationgujarat
12 Jan, 2025

ગુજરાતના 14થી વધુ જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદેલી હજારો સાયકલો વિતરણ થયા વિના ધૂળખાય છે. ભંગાર અવસ્થામાં સાયકલો પડી રહી છે તેમ છતાંય સરકારે નવી સાયકલો ખરીદવા ટેન્ડર બહાર પાડવા તૈયારીઓ આદરી છે. ભાજપ સરકારમાં વધુ સ્કીમ (યોજના) જાણે સ્કેમ (કૌભાંડ) બની ગઈ હોય તેવું પ્રસ્થાપિત થઈ રહ્યુ છે. સરસ્વતી સાધના યોજનામાં સાયકલ ખરીદીમાં 8.5 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરાયો છે. આ સમગ્ર મામલે તપાસની ફાઈલ અભરાઈએ ચડાવી દીધી છે કેમકે, તપાસનો રેલો ઘણાં ઉચ્ચ અધિકારી-નેતાઓના પગતળે આવે તેવી સંભાવના છે.

ઉલ્લંઘન છતાંય સાયકલ ખરીદી કરાઈ 

વર્ષ 2023-24માં એસ.સી, એસ.ટી. અને ઓ.બી.સી સમાજની ગરીબ દીકરીઓને જૂન-2023માં સાયકલ આપવાનું નક્કી કરાયુ હતું. પરંતુ આખી પ્રક્રિયા વિલંબથી થઈ કેમકે, સાયકલ ખરીદીના ટેન્ડરમાં પણ વિલંબ થયો હતો. તેનું કારણ એ હતુ કે, માનીતી કંપનીઓન કોન્ટ્રાક્ટ અપાવવા ટેન્ડરના નિયમોમાં ખાસ ફેરફાર કરાયા હતાં. એ તો, ઠીક પણ અન્ય રાજ્ય કરતા 500 રૂપિયા વધુ ચૂકવી જે તે કંપની પાસેથી સાયકલ ખરીદવા માટેનું નક્કી કરાયુ હતું. કુલ મળીને 1.70 લાખ સાયકલ ખરીદી કરવામાં આવી હતી.

સાયકલ દીઠ 500 ગણવામાં આવે તો, રાજ્ય સરકારે સાયકલ કંપનીને 8.50 કરોડ રૂપિયા વધુ કેમ ચૂકવ્યાં તે સમજાતુ નથી. મહત્ત્વની વાત છે, એપ્રિલ 2024માં સાયકલની ડીલીવરી થઈ ત્યારે ક્વોલીટી કન્ટ્રોલ સેન્ટર ગાંધીનગર દ્વારા સાયકલની ગુણવત્તાની ચકાસણી કરાઈ ત્યારે સ્પષ્ટ માલુમ થાય છે કે, સાયકલો હલકી ગુણવત્તા જ નહીં, સ્પેસીફીકેશન મુજબ ન હતી. આ ઉપરાંત આઈએસઆઈ માર્કના ધોરણો પર પરિપૂર્ણ કર્યા ન હતાં. ટેન્ડરની શરતોનો ધરાર ઉલ્લંઘન છતાંય સાયકલ ખરીદી કરાઈ હતી. નવાઈની વાત એ છેકે, ટેન્ડરની પ્રક્રિયા વખતે ખુદ ગ્રીમ્કોએ જ વાંધા ઊઠાવ્યા હતા કે, રાજસ્થાનના ભાવ કરતાં 587 રૂપિયા અને પશ્ચિમ બંગાળના ભાવ કરતા 425 રૂપિયા વધુ ચૂકવાયાં તે બાબતે હજુ કોઈ ખુલાસો કરાયો નથી.


Related Posts

Load more