BCCIની રિવ્યુ મીટિંગની વાતો લીક, રોહિત શર્માએ કહ્યું- હું થોડો સમય માટે કેપ્ટન રહીશ

By: nationgujarat
12 Jan, 2025

Rohit Sharma in BCCI Review Meeting : ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. રોહિતની ચર્ચાનું કારણ તેનું પ્રદર્શન નથી. પરંતુ તેનું ખરાબ ફોર્મ, ટીમમાંથી ડ્રોપ લેવો અને પોતાની કેપ્ટનશીપ ગુમાવવાની વાતો છે. આ દરમિયાન રોહિતે BCCI સમક્ષ કેપ્ટનશીપ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.

હકીકતમાં થોડા સમય પહેલા સુધી રોહિત શર્માને ભારતનો શ્રેષ્ઠ કેપ્ટન માનવામાં આવતો હતો. પરંતુ હવે લોકો તેના સ્થાને બીજા કોઈ  ખેલાડી વિશે વાત કરી રહ્યા છે. આનું મુખ્ય કારણ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ટીમનું ક્લીન સ્વીપ થવું અને પછી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ હારવી છે. આ સિવાય રોહિત બેટથી પણ કંઈ ખાસ કરી શક્યો નથી. જેથી કરીને તે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ મેચમાંથી બહાર રહ્યો હતો.

BCCIની મીટિંગમાં રોહિતે શું કહ્યું?

મળતી માહિતી અનુસાર, શનિવારે BCCIની મીટિંગ યોજાઈ હતી. BCCIની આ રિવ્યુ મીટિંગ ઓસ્ટ્રેલિયામાં ભારતીયના ખરાબ પ્રદર્શન અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે આ બેઠકની વિગતો લીક થઈ ગઈ છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ રિવ્યુ મીટિંગમાં કેપ્ટન રોહિત શર્માની સાથે મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ હાજર રહ્યા હતા. જેમાં રોહિત શર્માએ બોર્ડને કહ્યું છે કે, ‘હું થોડા વધુ મહિનાઓ માટે ટીમનો કેપ્ટન રહેવા માંગું છું અને આ દરમિયાન BCCI નવા કેપ્ટનની શોધ કરી શકે છે.’

શું બુમરાહ બનશે ટીમનો નવો કેપ્ટન?

રોહિત શર્મા પછી જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવા અંગે પણ આ મીટિંગમાં ચર્ચા થઈ હતી. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સર્વસંમતિ બની નથી. આનું સૌથી મોટું કારણ જસપ્રીત બુમરાહનું વારંવાર ઈજાગ્રસ્ત થવું છે. રોહિતે BCCIના આગામી કેપ્ટનની પસંદગીમાં સંપૂર્ણ સમર્થન આપવાનું વચન પણ આપ્યું હતું.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા જ કેપ્ટન રહેશે

આ સિવાય અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, વર્ષ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા ટીમનું નેતૃત્ત્વ કરશે. જો કે, ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં તે કેપ્ટન નહીં રહે તે લગભગ નક્કી છે. એ પણ શક્ય છે કે રોહિત શર્માને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં પસંદ ન કરવામાં આવે.


Related Posts

Load more