રેરા’ રજીસ્ટ્રેશન વિના જ પ્રોજેકટનું વેચાણ કરનારા બિલ્ડરો દંડાશે: અનેકને નોટીસ

By: nationgujarat
29 Sep, 2023

અમદાવાદ,તા.29
ઘર-મિલ્કત ખરીદતા ગ્રાહકોને છેતરપીંડીથી બચાવવા માટે ‘રેરા’ દ્વારા વધુ એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે જે અંતર્ગત રેરા રજીસ્ટ્રેશન થયા પુર્વે જ આવાસ-પ્રોપર્ટીના વેચાણ શરૂ કરી દેવા પર દંડ ફટકારવામાં આવશે.

બિલ્ડરો દ્વારા પ્રોજેકટ લોન્ચ કરાયા પુર્વે અથવા રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (રેરા)ની નિયમન પ્રક્રિયા પૂર્ણ કરાયા પુર્વે જ ‘સોફટ બુકીંગ’ શરૂ કરી દેવાતુ હોય છે. રેરાની મંજુરી મળ્યા પુર્વેના આ વેચાણમાં કિંમત પણ પ્રમાણમાં ઓછી રખાતી હોય છે જે રેરાના નિયમોના ભંગરૂપ છે. બિલ્ડરો-ડેવલપરો આ રીતે વેચાણ કરી શકતા નથી એટલું જ નહીં ગ્રાહકો પણ કાયદા હેઠળ રક્ષણ મેળવી શકતા નથી.

બિલ્ડરોના આ પ્રકારના કારસ્તાનો સામે ‘રેરા’ને ફરિયાદો મળી છે અને તેના આધારે તંત્ર દ્વારા સોશ્યલ મીડીયા મારફત કરી દેવાતા પ્રચાર-પ્રિબુકીંગ પર ‘વોચ’ રાખવાનુ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ગુજરાત રેરાના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે રેરામાં રજીસ્ટ્રેશન વિના બિલ્ડર કે ડેવલપર બુકીંગ શરૂ કરી શકતા નથી. પરંતુ કેટલાંક વખતથી વહેલુ ધ્યાનમાં આવ્યું છે કે બિલ્ડરો ભવિષ્યના પ્રોજેકટોને અગાઉથી પ્રમોટ કરી રહ્યા છે. રેરા રજીસ્ટ્રેશન વિના જ આ પ્રકારની પ્રવૃતિ થઈ ન શકે. આવા બિલ્ડરો-પ્રોજેકટોની ઓળખ મેળવવા માટે સોશ્યલ મીડીયા પર વોચ રાખવાનું શરૂ કરાયું છે અને તેના આધારે બિલ્ડરોને નોટીસો પણ ફટકારવામાં આવી છે.

તેઓએ કહ્યું કે રેરા રજીસ્ટ્રેશન વિના જ પ્રોજેકટનું વેચાણ કે માર્કેટીંગ કરવાનું પ્રતિબંધીત છે. કાયદાની કલમ 3 હેઠળ બિલ્ડરને કુલ પ્રોજેકટ ખર્ચના 10 ટકા સુધીનો દંડ થઈ શકે છે. 2021માં ગીફટ સીટીના પ્રોજેકટમાં રેરા રજીસ્ટ્રેશન વિના જ માર્કેટીંગ શરૂ કરી દેનાર બિલ્ડરને 10 લાખની પેનલ્ટી ફટકારીને દાખલો બેસાડયો હતો.

કેટલાંક બિલ્ડરો રેરા રજીસ્ટ્રેશન પુર્વે પ્રિ-બુકીંગમાં કિંમત ઓછી રાખીને ગ્રાહકો-હોમબાયકો સાથે રોકડ વ્યવહારો કરી લેતા હોવાનું ધ્યાનમાં આવ્યુ છે. છેલ્લા કેટલાક સમયમાં આ પ્રકારની પ્રવૃતિઓ વધી છે. હવે તહેવારો માથે છે. ગ્રાહકોમાં પવિત્ર દિવસોમાં ઘર કે પ્રોપર્ટી બુક કરાવવા કે ખરીદવાનું ચલણ વધુ હોય છે. કેટલાક એવા કિસ્સા પણ ધ્યાને આવ્યુ છે કે રેરા રજીસ્ટ્રેશન મળ્યુ ન હોવા છતાં બિલ્ડરે ગ્રાહક પાસેથી રોકડ ઉપરાંત ચેક પેમેન્ટનો વ્યવહાર પણ કરી લીધો હતો.

રેરા અધિકારીઓના કહેવા પ્રમાણે પ્રોજેકટમાં નાણાંની ખેંચ ઉભી ન થાય અને નાણાકીય લીકવીડીટી સરળ રહે તે માટે કેટલાંક બિલ્ડરો રેરા રજીસ્ટ્રેશન મેળવ્યા પુર્વે મુખ્યત્વે ઈન્વેસ્ટરોનું બુકીંગ કરીને એડવાન્સ નાણાં મેળવી લ્યે છે. આવા કિસ્સાઓમાં ભવિષ્યમાં વિવાદ પણ ઉભા થાય છે.

રેરાના સીનીયર અધિકારીએ ગ્રાહક સેવા એવી લાલબતી ધરી હતી કે રેરા રજીસ્ટ્રેશન વિનાના પ્રોજેકટમાં ગ્રાહક ખરીદી કરે અને પછી બિલ્ડર દ્વારા કોઈ ગરબડ કરવામાં આવે તો ગ્રાહકના ફરિયાદ કરવાના રક્ષણના હકક પણ છીનવાય જાય છે.


Related Posts