BREAKING ભાજપ-ક્ષત્રિય સમાજની બેઠકમાં કોઈ સમાધાન ન થયું

By: nationgujarat
03 Apr, 2024

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. આ અંગે ગઈકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મિટિંગ યોજાઈ હતી. આજે રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટીની બેઠક શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાવવાની હતી. જોકે મીડિયાને દૂર રાખી રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટીની એસજી હાઇવે ઉપર બેઠક મળી હતી. કોર કમિટી દ્વારા બપોરે 3:30 વાગ્યે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકમાં ચર્ચા કરવા અંગેના કેટલાક નિર્ણયો લેવાયા છે. રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટીએ સવારથી મીડિયાને દૂર રાખી ગુપ્ત જગ્યાએ મિટિંગ કરી અને ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાથેના વિવાદના કેટલાક નિર્ણયો લીધા હોવાનું જાણવા મળ્યું છે.રાજપૂત સમાજ દ્વારા ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી અને સમાધાન કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જ્યારે સમજાવટ માટે પદ્મિનીબા વાળાને રાજકોટથી અમદાવાદ બોલાવવામાં આવ્યા છે.

રૂપાલાની ટિકિટ રદ્દની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ રહ્યો હતો. ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચેની બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નહીં.

ક્ષત્રિય સમાજ અને ભાજપ નેતાઓ વચ્ચેની બેઠક બાદ ભાજપના પ્રતિનિધીઓ અને ક્ષત્રિય સમાજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.  ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બે કલાક સુધી બેઠક ચાલી હતી.ભાજપ અને ક્ષત્રિય સમાજે અલગથી પત્રકાર પરિષદને સંબોધી હતી. ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે અમે કોર કમિટિ સામે અમારી વાત મુકી છે. રૂપાલા ત્રણ- ત્રણ વાર માફી માંગી ચૂક્યા છે. પ્રદેશ અધ્યક્ષે પણ માફી માંગી હતી.

આ મામલે ક્ષત્રિય સમાજે કહ્યું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવી જ પડશે. જો ટિકિટ રદ્દ નહીં થાય તો અપક્ષ ઉમેદવારી નોંધાવીશું.ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના આગેવાન રમજુભા જાડેજાએ કહ્યું હતું કે સંસ્કૃતિના મુદ્દે અમને હળવાશથી લેવાનો સરકારે પ્રયાસ કર્યો છે. ટિકિટ રદ્દ કરવા સિવાય કોઈ ચર્ચા કરવામાં આવી નથી. અમારા આગામી આયોજનો યથાવત જ રહેશે

કરણસિંહ ચાવડાએ કહ્યું હતુ કે ભાજપ સાથેની બેઠકમાં અમે સર્વાનુમતે રજૂઆત કરી હતી કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવા સિવાય કોઇ સમાધાન નહીં. એક બાજુ ભારતના 22 કરોડ ક્ષત્રિયો છે ત્યારે હાઇકમાંડને અમારી વાત પહોંચાડજો. હવે કોઇ બેઠક થશે નહીં. કોઈ રાજકીય પક્ષ અમારા પર દબાણ કરી શકશે નહીં. પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવશે. મહિલા આગેવાન તૃપ્તિ બા રાઓલે કહ્યું હતું કે રાજપૂતોની ઇતિહાસની કુરબાની ભૂલાઈ અને નિવેદનો અપાયા છે. આ સ્વાભિમાનનો સવાલ છે. પણ જો રૂપાલાની ટિકિટ રદ્દ નહિ થાય તો આખો રાજપૂત સમાજ માની લેશે કે ભાજપ રૂપાલા સાથે છે અને યોગ્ય જવાબ આપશે.


Related Posts

Load more