Loksabha Election 2024: પુષ્પા ફિલ્મમાં પુષ્પારાજનો ડાયલોગ મેં ઝુકેગા નહિ.. ખૂબ ફેમસ થયો હતો. આ ડાયલોગ પુષ્પારાજ ફિલ્મના કલાકાર અલ્લુ અર્જુનના મુખે આપણે સાભળ્યો હતો. તેમજ ‘ક્યાં લગતા થા નહીં લોટેંગે, ગલત જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહી’ માંઝી ફિલ્મ ધ માઉન્ટેન મેનના કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકીના મુખે આ ડાયલોગ સાંભળ્યો છે, પરંતુ હાલમાં જ વનકર્મીઓને માર મારવાના ગુનામાં જેલમાંથી છૂટીને આવેલા આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગતરોજ જંબુસર-આમોદની આમ આદમી પાર્ટીની સંકલન બેઠકમાં પણ આ બન્ને ડાયલોગ બોલતાં જ રાજકીય માહોલ ગરમાયો છે અને જાણે ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય માહોલ ગરમાયો હોય એવું જોવા મળી રહ્યું છે.
ભાજપ હોય કે કોંગ્રેસ, તમામ પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહી છે. આ વચ્ચે જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવાએ પણ લોકસંપર્કના કાર્યક્રમો શરૂ કર્યા છે. ગતરોજ જંબુસર-આમોદમાં ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની સંકલન બેઠક મળી હતી, એમાં ચૈતર વસાવાએ પોતાના ભાષણમાં ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. જેની સામે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ ભરૂચ લોકસભાને લઈ મીડિયા સામે પ્રતિક્રિયા આપી.
સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, નરેન્દ્ર મોદી જોડે પાર્ટીથી ઉપર રહીને આત્મીય સંબંધ છે. પ્રધાનમંત્રીને હું જ્યાં પણ મળું છું મને પ્રેમથી બોલાવે છે, ચૂંટણી બાબતે પાર્ટીએ જે ઈશારો કરવાનો હતો. તે પાર્ટીના કાર્યકરોને નેતોને કરી દીધો છે. ભરૂચ લોકસભા જીતવા માટે અમે કોઈને પણ બીજી પાર્ટીને ગાળો દેતા નથી. અમે જીતવાના જ છે, ભરૂચ લોકસભા માટે મનસુખ વસાવા એ કહ્યું કે 2019ની ચૂંટણી જીત્યો ત્યારથી જ 2024ની ચૂંટણી જીતવાની તૈયારી ચાલુ કરી દીધી હતી.
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે 7મી ટર્મ પણ ભાજપ જ ભરૂચ લોકસભા જીતવાનું છે. મનસુખ વસાવાની પણ લોકસભા જીતવાની તૈયારી છે પછી પાર્ટી જે નક્કી કરે અને જેને પણ ટિકિટ આપે તેને પણ ભરૂચ લોકસભા જીતવાની સંપૂર્ણ તૈયારી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગમે તેવા ગુંડા કે ચમરબંધીને ચૂંટણીમાં ઉતારશે તેને હરાવવા માટે ભરૂચ ભાજપ સંગઠન તૈયાર છે. અમે કોઈની લીટી ભૂસવા માંગતા નથી અમે અમારી લીટી લાંબી કરવા માંગીએ છે. મારા ઘરે પ્રસંગ હતો. જેમાં આપના નેતાએ પડવાની શું જરૂર હતી. જે ગીત વાગતું હતું તે વાગવા દેવું જોઈતું હતું.