બિલાસિયા વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ બનાવવાના નિર્ણય સામે સ્થાનિકોનો વિરોધ, ‘વિકાસના નામે આરોગ્ય સાથે ચેડાં ન કરો’ની ઉઠી માગ

By: Nation Gujarat Team
25 Nov, 2026

અમદાવાદના હંસપુરા નજીક આવેલા બિલાસિયા વિસ્તારમાં, પીરાણા જેવી ડમ્પિંગ સાઇટ ઊભી કરવાના નિર્ણય સામે સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે મોટી સંખ્યામાં સ્થાનિકો રાત્રે એકત્ર થયા હતા અને હાથમાં બેનરો સાથે રેલી યોજી તંત્રના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવનાર હોવાની તેમને અગાઉ કોઈ જાણ કરવામાં આવી નહોતી. જોકે, કોઈ વ્યક્તિ મારફતે આ વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ બનાવવાની હોવાની માહિતી મળતાં જ રહીશોમાં ચિંતા અને રોષ ફેલાયો હતો. ત્યારબાદ સ્થાનિકોએ એકત્ર થઈ તંત્ર સમક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બિલાસિયા વિસ્તાર હાલમાં ઝડપથી વિકસી રહ્યો છે. અહીં 30થી વધુ રહેણાક ફ્લેટો આવેલા છે, જ્યારે અન્ય અનેક ફ્લેટોનું બાંધકામ પણ ચાલી રહ્યું છે. એટલે કે, આગામી સમયમાં આ વિસ્તારમાં રહેણાક વસાહતો અને વસ્તીમાં વધારો થવાની શક્યતા છે. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે એક તરફ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાનિકોને પૂરતી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી. આરોગ્યલક્ષી સુવિધાઓનો પણ અભાવ છે. આવી સ્થિતિમાં રહેણાક વિસ્તારની નજીક ડમ્પિંગ સાઇટ ઊભી કરવામાં આવે તો કચરાના નિકાલ, દુર્ગંધ અને સંભવિત પ્રદૂષણને કારણે આસપાસના લોકોના આરોગ્ય પર વિપરીત અસર થવાની ચિંતા છે. તંત્રના આવા નિર્ણયોથી ભવિષ્યમાં સ્થાનિક રહીશોના જીવનધોરણ અને આરોગ્ય સામે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે.

સ્થાનિકોએ સ્પષ્ટ માગ કરી છે કે રહેણાક વિસ્તારની નજીક ડમ્પિંગ સાઇટ બનાવવાનો નિર્ણય રદ કરીને આ સ્થળ અન્ય કોઈ યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવે. તેના બદલે આ જમીનનો ઉપયોગ જાહેર જનતાના હિતમાં કરવામાં આવે અને અહીં સુંદર બગીચો, હરિયાળો વિસ્તાર અથવા બાળકો માટે રમતગમત અને મનોરંજનની સુવિધાઓ વિકસાવવામાં આવે. સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારના વધતા વિકાસને ધ્યાનમાં રાખીને તંત્રએ લોકોની સુવિધા અને આરોગ્યને પ્રાથમિકતા આપવી જોઈએ. હવે સ્થાનિકોના વિરોધ અને રજૂઆત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ મામલે શું નિર્ણય લે છે અને રહીશોની માગને કેટલો પ્રતિસાદ આપે છે તેના પર સૌની નજર છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score