Gujarat School Van Rickshaw Fare Hike: આજથી શાળાઓનું વેકેશન ખુલી ગયું છે. આ સાથે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. બાળકોની શાળાઓ શરૂ થવાની સાથે મોંઘવારીથી પરેશાન વાલીઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. CNGના ભાવમાં સતત વધારો થવાને કારણે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. આજે સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં ભાવ વધારા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
એક તરફ સીએનજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં શાળાનું નવું સત્ર શરૂ થવાની સાથે વાલીઓને ઝટકો લાગ્યો છે. સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા રિક્ષાના ભાડામાં 100 રૂપિયા અને વાનના ભાડામાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજે મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યભરમાં આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત
સમગ્ર ગુજરાતમાં આજથી ખાનગી, સરકારી શાળા-કોલેજો શરૂ થઈ ગઈ છે. નવા શૈક્ષણિક સત્ર 2026-2027ની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ એક તરફ વાલીઓ સ્કૂલ ફી, સ્કૂલ ડ્રેસ અને અન્ય જરૂરી વસ્તુઓમાં વધેલા ભાવને કારણે પરેશાન છે. પરંતુ હવે રિક્ષા અને વાનના ભાડામાં પણ વધારો થયો છે.
પહેલા 750 રૂપિયા હતું રિક્ષાનું ભાડું
નોંધનીય છે કે તાજેતરમાં સીએનજી ગેસની કિંમતમાં સતત વધારો થયો છે. વર્તમાનમાં 1 કિલો સીએનજીનો ભાવ 88 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેવામાં સ્કૂલ વર્ધી એસોસિએશને ભાડામાં વધારો કરવાની ફરજ પડી છે. 1 કિલોમીટરનું રિક્ષા ભાડું 750 રૂપિયાથી વધારી 850 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.