ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે 51વ્હેલ મૃત્યુ પામી

By: nationgujarat
26 Jul, 2023

ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે 51 વ્હેલ મૃત્યુ પામી. બુધવારે સવારે પાર્ક્સ અને વાઇલ્ડલાઇફ સર્વિસીઝે જણાવ્યું હતું કે લગભગ 100 પાઇલટ વ્હેલ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં ચીનેસ બીચ પર આવી હતી. 51 પાઇલટ વ્હેલ અહીં ફસાયા બાદ રાતોરાત મૃત્યુ પામી. તેમણે કહ્યું- અમે બાકીની 46 વ્હેલને ઊંડા પાણીમાં મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, મંગળવાર સવારે અલ્બાનીથી 60 કિલોમીટર પૂર્વમાં ચીનેસ બીચ પાસે પાઇલટ વ્હેલનું એક જૂથ સ્વિમિંગ કરતાં જોવા મળ્યું હતું. આ પછી સાંજ સુધીમાં વ્હેલનું જૂથ દરિયાકિનારે પહોંચવાનું શરૂ કર્યું અને સાંજ સુધીમાં ચીનેસ બીચ વ્હેલથી ઢંકાઈ ગયો. એ પછી દરિયાઇ નિષ્ણાતો અને ઘણા સ્વયંસેવકોએ બીચ નજીક રાતોરાત પડાવ નાખ્યો

તબીબો- નિષ્ણાતોની ટીમે દરિયાકિનારે રાતોરાત કેમ્પિંગ કર્યું હતું
આ ટીમમાં પર્થ પ્રાણી સંગ્રહાલયના તબીબો, નિષ્ણાતો અન્ય તમામ સાધનો સાથે જહાજો અને ગોફણ સાથે હાજર હતા. આ લોકોને ઓસ્ટ્રેલિયાના એનિમલ લવર્સ અને અન્ય ઘણા લોકો દ્વારા પણ મદદની ઓફર કરવામાં આવી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે વ્હેલનું અચાનક ભટકવું અસામાન્ય છે અને એ પોડમાં રોગ ફાટી નીકળવાની નિશાની હોઈ શકે છે. જોકે વ્હેલ શા માટે દરિયાકાંઠે પહોંચી રહી છે એનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આના લગભગ એક અઠવાડિયા પહેલાં સ્કોટલેન્ડના આઇલ ઓફ લેવિસ પર ટ્રાગ મોર બીચ પર 55 વ્હેલ પણ મૃત્યુ પામી હતી. 23 જુલાઈના રોજ એવી માહિતી મળી હતી કે ઘણી વ્હેલ દરિયાકિનારે ફસાયેલી છે. આ પછી પોલીસ, રેસ્ક્યૂ ટીમ અને કોસ્ટ ગાર્ડની ટીમ દરિયાકિનારે પહોંચી ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં મોટા ભાગની વ્હેલ મરી ગઈ હતી.

પાઇલટ વ્હેલ શું છે?

  • પાઇલટ વ્હેલ એ દરિયાઈ ડોલ્ફિનની એક પ્રજાતિ છે, જે જૂથોમાં મુસાફરી કરે છે. એ બીચ પર ગ્રુપ લીડર (પાઇલટ)ને અનુસરે છે અને જ્યારે ગ્રુપનો કોઈ સભ્ય ઘાયલ થાય છે ત્યારે મોટી સંખ્યામાં એની આસપાસ ભેગી થાય છે.
  • નિષ્ણાતોના મતે, પાઇલટ વ્હેલ હંમેશાં સાથે રહે છે. જો એક વ્હેલ ક્યાંક અટવાઈ જાય, તો બીજી પણ એને અનુસરે છે. આ જ કારણ છે કે દરિયાકિનારે આટલી બધી વ્હેલ એકસાથે મરી રહી છે.
  • એવું કહેવાય છે કે ક્યારેક વ્હેલ કિનારે આવે છે અને પછી તકલીફમાં અન્ય વ્હેલને સંકેતો મોકલે છે. એ વ્હેલના સંકેત મળતાં જ અન્ય વ્હેલ પણ એની નજીક આવવા લાગે છે અને ફસાઈ જતી હોય છે. વ્હેલ નિષ્ણાતો કહે છે કે જ્યારે પાણીનો સ્તર નીચો હોય ત્યારે પણ ઘણી વખત તેઓ ભટકાઈ જાય છે.

Related Posts

Load more