કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલાએ ભાજપના સમર્થકો અને મતદારો વિશે વિવાદિત નિવેદન આપતા તેમને રાક્ષસી પ્રવૃત્તિના ગણાવ્યા. સુરજેવાલા હરિયાણાના કૈથલ પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે ભાજપને મત આપનારા અને તેમના સમર્થકો રાક્ષસ પ્રવૃત્તિના છે. હું મહાભારતની ધરતીથી તેમને શ્રાપ આપું છું. સુરજેવાલાના આ નિવેદન પર ભાજપ પણ ભડકી ગયું છે. ભાજપના નેતા અમિત માલવીયે સુરજેવાલાના આ નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે આવી માનસિક સ્થિતિના કારણે પાર્ટી અને તેના નેતા જનાધાર ગુમાવી ચૂક્યા છે.
વાત જાણે એમ છે કે સુરજેવાલા હરિયાણાના કૈથલમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. અહીં તેમણે બેરોજગારીના મુદ્દે ખટ્ટર સરકારને ઘેરી. તેમણે કહ્યું કે લોકોના ભવિષ્યને મનોહરલાલ ખટ્ટર અને દુષ્યંત ચૌટાલા મંડીમાં બોલી લગાવીને વેચે છે. તે જાલિમનો દરવાજો ખખડાવવા માટે, ઝોલી ફેલાવીને એ બાળકો માટે અમે માંગણી કરીએ છીએ કે નોકરી ભલે ન આપો પરંતુ કમસે કમ નોકરીની તક તો આપો. અમે અમારી દીકરીઓ અને દીકરાઓ માટે ન્યાય માંગીએ છીએ. અરે રાક્ષસો, ભાજપ-જેજેપીના લોકો રાક્ષસો છો તમે લોકો.
ભાજપ સમર્થકોને આપ્યો શ્રાપ
સુરજેવાલાએ વધુમાં કહ્યું કે, ભાજપને જે મત આપે છે અને જે તેમના સમર્થક છે, તેઓ રાક્ષસી પ્રવૃત્તિના છે. હું શ્રાપ આપુ છું. તે દીકરી-દીકરાના માતા પિતાને જઈને પૂછો જેઓ કહે છે કે એક તક તો આપો. પેપરમાં બેસવાની મંજૂરી તો આપો. અત્રે જણાવવાનું કે હરિયાણામાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. જેને ધ્યાનમાં રાખીને સુરજેવાલાએ મનોહરલાલ ખટ્ટર અને ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા પર ખુબ નિશાન સાંધ્યુ.
રણદીપ સુરજેવાલા તેમની એ પદયાત્રાનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમાં કોંગ્રેસના નેતાઓએ 12 લાખ 22 હજાર CET અભ્યર્થીઓના સમર્થનમાં 17-18 કિલોમીટર સુધી પદયાત્રા કરી હતી. આ અવસરે કોંગ્રેસ નેતા કિરણ ચૌધરીએ કહ્યું કે ભાજપ-જેજેપી સરકારે મહિલાઓ, ખેડૂતો, ગરીબોની થાળીમાંથી રોટી સુદ્ધા છીનવી લીધી છે. ભાજપે આપ્યો જવાબ
રણદીપ સુરજેવાલાના આ નિવેદન પર ભાજપ પણ ભડકી ગયો છે અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપના આઈટી હેડ અમિત માલવીયે ટ્વીટ કરીને કહ્યું કે રાહુલ ગાંધીના ખાસ સુરજેવાલા ભાજપને મત આપનારાઓને રાક્ષસ કહી રહ્યા છે. શ્રાપ પણ આપી રહ્યા છે. કોંગ્રેસ, તેના હાઈકમાન અને દરબારીઓની આ માનસિક સ્થિતિના કારણે પાર્ટી અને તેના નેતાઓ જનાધાર ગુમાવી ચૂક્યા છે. પરંતુ હજુ તો તેમને જનતાના દરબારમાં વધુ અપમાનિત થવાનું છે.