89% રેલવે સ્ટેશનો પર મૂળભૂત સુવિધાઓનો અભાવ, CAGના રિપોર્ટ બાદ કોંગ્રેસે લગાવ્યા ગંભીર આરોપ

By: Nation Gujarat Team
18 Aug, 2026

અમદાવાદ: CAG (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)ના અહેવાલને ટાંકીને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કેન્દ્ર સરકાર સામે ગંભીર આરોપ લગાવ્યા છે. ડૉ.મનીષ દોશીએ જણાવ્યું છે કે દેશની લાઇફલાઇન ગણાતી રેલ્વેના 89 ટકા સ્ટેશનો પર પીવાનું પાણી, વોશરૂમ અને બેઠક વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે. અમદાવાદ અને સુરત જેવા કરોડો રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા મોટા સ્ટેશનો પર પણ મુસાફરો ન્યૂનતમ સુવિધાઓથી વંચિત હોવાનું આ રિપોર્ટમાં બહાર આવ્યું છે.

કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, દેશ માટે લાઇફ લાઇન રેલવે ગણાય છે. રેલવે કેગ રિપોર્ટમાં મૂળભૂત સુવિધામાં અનેક ખામીઓ જોવા મળી છે. અમદાવાદ, સુરત સહિત ચાર મોટા સ્ટેશનમાં પણ ખામીઓ જોવા મળી છે. 89% રેલવે સ્ટેશન પર મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાનું સામે આવ્યું છે. પીવાનું પાણી, વોશરૂમ, બેઠક વ્યવસ્થા જેવી બાબતોમાં પણ ઊણપ જોવા મળી છે. કેગના અહેવાલમાં કરોડો રૂપિયાની આવક ધરાવતા અમૃત રેલવે સ્ટેશનમાં પણ ખામી જોવા મળી રહી છે.

અમદાવાદ-સુરત રેલવે સ્ટેશનમાં પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ

અમદાવાદની રેલવે સ્ટેશનની વાર્ષિક આવક 935 કરોડ, સુરતની 740 કરોડ આવક છતાં યાત્રિકોને ન્યૂનતમ આવશ્યક સુવિધાઓ – મૂળભૂત સુવિધાઓ આપવામાં નિષ્ફળતા જોવા મળી રહી છે. મસમોટી આવક છતાં પાયાની સુવિધાઓનો અભાવ છે. આધુનિકરણના નામે લૂંટનું કેન્દ્ર બનાવ્યું છે, પ્લેટ ફોર્મ ટિકિટ વસૂલ થાય છે પણ કેગના રિપોર્ટએ હકીકત સામે લાવી દીધી છે.

રેલવે સુવિધાઓ સુધારવા કોંગ્રેસની માંગ

કોંગ્રેસના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની માંગ છે કે રેલવે સુવિધાઓ સુધારવામાં આવે. વહીવટી નિષ્ફળતા નહીં પણ મુસાફરો પ્રત્યેની નિર્દય ઉપેક્ષા છે. છેલ્લા પાંચ વર્ષમાં રેલ્વેને ફાળવવામાં આવેલી કૂલ રકમમાંથી 11,479 કરોડ વણવપરાયેલા રહ્યા છે. કોન્ટ્રાક્ટરોને ખાનગીકરણ તરફ આગળ લઇ જતા પ્રયાસને કેગ રિપોર્ટે ઉજાગર કર્યો છે. કેગનો રિપોર્ટ બાબતે તપાસ કરી જવાબ આપવો જોઇએ. રેલ્વેની દુર્દશા અને યાત્રિકોની સતત ઉપેક્ષા અંગે રેલમંત્રી પોતાની જવાબદારી સ્વીકારી રાજીનામું આપે.

મહત્ત્વપૂર્ણ છે કે તાજેતરમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા CAGના રિપોર્ટ અનુસાર, દેશના લગભગ 89% (512માંથી 458) રેલવે સ્ટેશનો પર પંખા, પીવાનું પાણી, શૌચાલય, બેસવાની વ્યવસ્થા અને પ્લેટફોર્મ શેડ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે.


Related Posts

Load more