ગાઈડલાઈન જાહેર; આટલા વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર સાથે ગરબાની મંજૂરી, જાણો કેવી હશે સુરક્ષા વ્યવસ્થા?

By: nationgujarat
17 Sep, 2025

અમદાવાદમાં નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે શહેરભરમાં ગરબા આયોજનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે પણ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ગરબા આયોજકો માટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જેથી તહેવાર શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવી શકાયનવરાત્રિ શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે માત્ર 12 જેટલા આયોજકોએ જ પોલીસ અને ફાયર વિભાગ પાસે પરવાનગી માટે અરજી કરી છે. સામાન્ય રીતે શહેરમાં 100થી વધુ સ્થળોએ કોમર્શિયલ ગરબાનું આયોજન થતું હોય છે. આયોજકો છેલ્લી ઘડીએ દોડધામ કરતા હોય છે, અને આ વર્ષે પણ તેવી જ પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે.

પોલીસની ગાઈડલાઈન મુજબ, આ વર્ષે પણ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાથે ગરબા રમવાની મંજૂરી આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને ધ્યાનમાં રાખીને, આ વર્ષે ફાયર સેફ્ટી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા સ્થળ પર નિરીક્ષણ કરીને જ NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) આપવામાં આવશે. આયોજકોએ ફાયર સેફ્ટીના સાધનો, યોગ્ય એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ અને અન્ય જરૂરી નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.

મહિલા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા:
પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું છે કે, મહિલાઓની સુરક્ષા માટે ખાસ ‘SHE’ ટીમ અને મહિલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે. આ ટીમના સભ્યો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા સ્થળોએ હાજર રહેશે અને રોમિયોગીરી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરશે. નવરાત્રિ દરમિયાન રાત્રે ટ્રાફિક જામની સમસ્યા ન થાય તે માટે ટ્રાફિક પોલીસ આખી રાત બંદોબસ્તમાં રહેશે. શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર સરળ રહે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

CCTV કેમેરા અને ગુનાઓનું નિવારણ:
શહેર પોલીસ દ્વારા જનભાગીદારી પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલા 23,917 અને સરકારી 4,000 સહિત કુલ 27,917 CCTV કેમેરાની મદદથી ગુનાઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ કેમેરાની મદદથી પોલીસને લૂંટ, ચોરી અને ઘરફોડ જેવી ઘટનાઓને ઉકેલવામાં મોટી સફળતા મળી છે. જોકે, હત્યા, દુષ્કર્મ અને છેડતી જેવા ગંભીર ગુનાઓ અંગેની વિગતો જાહેર કરવામાં આવી નથી. નવરાત્રિના આ પવિત્ર તહેવારમાં સુરક્ષા અને નિયમોનું પાલન કરવું એ દરેક નાગરિકની જવાબદારી છે. સૌ નાગરિકો તહેવારની ઉજવણી સુરક્ષિત અને આનંદમય માહોલમાં કરે તે માટે પોલીસ અને પ્રશાસન તૈયાર છે.


Related Posts

Load more