Ahmedabad Builder Case: અમદાવાદના જાણીતા બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. પોલીસે આ હત્યાના મુખ્ય આરોપી અને બિલ્ડર મનસુખ લાખાણીની ધરપકડ કરી છે. અગાઉ, પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમની પૂછપરછ દરમિયાન મનસુખ લાખાણીનું નામ સામે આવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બિલ્ડર મનસુખ લાખાણીએ જ હિંમત રૂડાણીની હત્યા માટે સોપારી આપી હતી. લાખાણી અને રૂડાણી વચ્ચે જૂના ધંધાકીય સંબંધોને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદના કારણે જ મનસુખ લાખાણીએ હિંમત રૂડાણીની હત્યા કરાવવાનું કાવતરું ઘડ્યું હતું.
અગાઉ પોલીસે મનસુખ લાખાણીને શંકાના આધારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. જોકે, ત્રણ આરોપીઓની કબૂલાત અને અન્ય પુરાવાઓના આધારે તેની ભૂમિકા સ્પષ્ટ થઈ હતી. આ પુરાવા મળ્યા બાદ પોલીસે તાત્કાલિક મનસુખ લાખાણીની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
2024ના જાન્યુઆરીથી ચાલી રહ્યો હતો વિવાદ
સૂત્રોના જણાવ્યાનુસાર, આ બંને બિલ્ડરો નિકોલના ગંગોત્રી સર્કલ નજીકના એક જમીનના પ્લોટને લઈને લાંબા સમયથી લડી રહ્યા હતા. આ વિવાદ 2024ના જાન્યુઆરી મહિનામાં જાહેર થયો હતો, જ્યારે માલિકી હકને લઈને થયેલી બોલાચાલી બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તપાસ અધિકારીઓએ ખુલાસો કર્યો કે, હિંમત રૂદાણીના પુત્ર ધવલે મનસુખ લાખાણીના પુત્ર કિંજલ લાખાણી સામે CID ક્રાઈમના આર્થિક ગુના વિંગ (EOW)માં 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.
શું હતી ઘટના
અમદાવાદના વિરાટનગર બ્રિજ નીચેથી બિલ્ડરની હત્યા કરાયેલી હાલતમાં કારમાંથી મૃતદેહ મળ્યો હતો. તેમના શરીર પર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે અનેક ઘા ઝીંકવામાં આવ્યા હતા. બિલ્ડરની ઓળખ હિંમત રૂદાણી તરીકે થઈ હતી આ ઘટનાની જાણ થતા જ ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ મામલે CCTV ફૂટેજ અને ફોન રેકોર્ડમાંથી મળેલા પુરાવાના આધારે પોલીસે રાજસ્થાનના સિરોહીમાંથી રાહુલ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને એક સગીર સહિત ત્રણ શંકાસ્પદોની અટકાયત કરી હતી.