અમદાવાદમાં AMC સંચાલિત પે એન્ડ પાર્ક અને રોડ પર ઓન સ્ટ્રીટ પાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર અને ભારે તેમજ મધ્યમ વાહનોના પાર્કિંગ ચાર્જમાં આજે મળેલી ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યો છે. ટુ વ્હીલર પાર્કિંગના પ્રથમ કલાકના પાંચ રૂપિયાની જગ્યાએ હવે 10 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે એક થી ત્રણ કલાક માટે 15 રૂપિયા ચૂકવવાના રહેશે. ફોર વ્હીલરના પ્રથમ કલાકના 20 રૂપિયા જ્યારે 1થી 3 કલાકમાં 40 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
પાર્કિંગના ચાર્જમાં વધારોની દરખાસ્ત મંજૂર: ભાગ્યેશ પટેલ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું કે, આજે મળેલી કમિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પાર્કિંગના ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. ઓન રોડ અને ઓફ રોડ સ્ટ્રીટ પાર્કિંગ, મલ્ટી લેવલ પાર્કિંગ સહિતની જગ્યાઓ પર પાર્કિંગ ચાર્જમાં ટુ વ્હીલર માટેના ચાર્જમાં કમિશનર તરફથી મૂકવામાં આવેલા ચાર્જમાં સુધારો કરીને તમામ નવા દરને મંજૂરી આપવામાં આવી છે. જે હવે આગામી સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભામાં મંજૂર થયા બાદ લાગુ પડશે.
ટુ વ્હીલર માટે 24 કલાકનો ચાર્જ 55 રૂપિયા નક્કી કરાયો મ્યુનિસિપલ કમિશનર તરફથી સૂચવેલા ભાવમાં ટુ વ્હીલરના ચાર્જમાં પ્રથમ કલાકના 10 રૂપિયા, 1થી 3 કલાકના 20 ને બદલે 15 રૂપિયા, ત્રણથી છ કલાકના 35 ને બદલે 25 રૂપિયા, છથી 12 કલાકના 50 ને બદલે 40 રૂપિયા અને 12થી 24 કલાકના 70 ને બદલે 55 રૂપિયા નક્કી કર્યા છે.
ફોર વ્હીલર માટે ₹20થી ₹170 સુધીનો ચાર્જ જ્યારે ફોર વ્હીલરમાં પ્રથમ કલાકના 15 ને બદલે 20 રૂપિયા, એકથી બે કલાકના 40 રૂપિયા, ત્રણથી છ કલાકના 80 રૂપિયા, છથી 12 કલાકના 120 રૂપિયા અને 12થી 24 કલાકના 170 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે. એક તરફ શહેરમાં નાગરિકો રોડ ઉપર વાહન પાર્ક વધુ કરતા હોય છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોય છે. જોકે, હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિંગના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે હવે નાગરિકો કોર્પોરેશનના પાર્કિંગમાં વાહનો પાર્ક કરશે કે કેમ તેને લઈને સવાલ છે.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જ્યાં પણ ખાલી પ્લોટ છે, ત્યાં તમામ જગ્યાએ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. સૌપ્રથમ જે પ્લોટ ખાલી છે ત્યાં લોકો મફતમાં વાહનો મૂકી શકે છે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જોકે પે એન્ડ પાર્કમાં કોર્પોરેશન દ્વારા હવે પાર્કિંગના ચાર્જમાં વધારો કરવામાં આવતા લોકો દ્વારા પાર્કિંગ ઓછું કરવામાં આવી શકે છે.