એસપી રિંગ રોડ પર આવેલી હિલ્લોક હોટલ સામેનો કટ ખોલવા રોડ બ્લોક કરનાર 7 રહીશો સામે ફરિયાદ નોંધાઈ છે. જી હા…વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલને જોડતા રિંગ રોડ પર આવેલી હોટલ હિલ્લોક સામેનો કટ બંધ કરવાના વિવાદે હવે કાયદાકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. છેલ્લા કેટલાક સમયથી સમયથી હિલ્લોક હોટલ સામેનો કટ બંધ કરવામાં આવ્યો હતો, આ કટને ખોલાવવા માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્થાનિક રહીશો પૈકી 7 જાણીતા શખ્સો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો?
શહેરના વૈષ્ણોદેવી અને ઝુંડાલને જોડતા રિંગ રોડ પર ટ્રાફિક અને સુરક્ષાના કારણોસર હિલ્લોક હોટલ સામેનો કટ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. આ કટ બંધ થવાથી આસપાસની અંદાજે 26 જેટલી સોસાયટીના રહીશોને લાંબો ફેરો કરવો પડી રહ્યો છે. રહીશોની અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કટ ન ખુલતા આખરે રહીશોનો રોષ ફાટી નીકળ્યો હતો.
વ્હોટ્સએપ ગ્રુપ બનાવી ‘ગેરકાયદે મંડળી’ રચ્યાનો આક્ષેપ
સ્થાનિકો દ્વારા બે દિવસ પહેલા રાત્રે રસ્તા વચ્ચે બેસીનું કટ ખોલાવવા રોડ બ્લોક કરી દીધો હતો. આ ઘટનાની જાણ ચાંદખેડા પોલીસને કરવામાં આવી હતી. ચાંદખેડા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે સ્થાનિકોએ ‘નેબર્સ ન્યૂ ત્રાગડ’ નામનું એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપ દ્વારા 26 સોસાયટીના સભ્યો એકઠા થયા હતા. પોલીસે આક્ષેપ કર્યો છે કે આ ગ્રુપના માધ્યમથી લોકોએ ગેરકાયદે મંડળી રચી, પૂર્વ આયોજિત રીતે રસ્તો રોકવાનું કાવતરું ઘડ્યું હતું.
વિરોધ પ્રદર્શન અને ચાંદખેડા પોલીસની કાર્યવાહી
રિંગ રોડ પર બે દિવસ પહેલા અંદાજે 100થી 150 લોકોનું ટોળું બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યું હતું, જેના કારણે હાઈ-વે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. અગાઉ 7 ફેબ્રુઆરીએ પણ વિરોધ દરમિયાન સરકારી બેરીકેડ તોડી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારબાદ 21 ફેબ્રુઆરીએ ફરીથી ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું હતું. સ્થિતિ વણસતા ચાંદખેડા પોલીસ અને ટ્રાફિક પોલીસની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી જરૂરી બળપ્રયોગ કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
આ 7 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
પોલીસે આનંદ આઇ લાઇફ સોસાયટીના રહીશો અને વ્હોટ્સએપ ગ્રુપની વિગતોના આધારે મુખ્ય સંચાલકો અને વિરોધમાં સક્રિય લોકોની ઓળખ કરી છે. જેમાં 1. જીગર ગજ્જર, 2. વિરાજ મેવાડા, 3. ગુંજન, 4. કિશન કંસાગરા, 5. ચિંતન જોષી, 6. રાહુલ પટેલ અને 7. મોહબત ગઢવીનો સમાવેશ ખાય છે. ચાંદખેડા પોલીસે આ તમામ સામે ગેરકાયદે મંડળી રચવી, રસ્તો રોકી જનતાને હાલાકી પહોંચાડવી અને સરકારી મિલકતને નુકસાન કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.