રાજકોટમાં મોતની કુંડી સામે જનઆક્રોશ, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ

By: nationgujarat
28 Nov, 2026

રાજકોટ: શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં રોડ પર ઊંચી છોડી દેવાયેલી ડ્રેનેજની કુંડી એક પરિવાર માટે કાળ બની હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ગત 6 સપ્ટેમ્બરના રોજ 150 ફૂટ રિંગ રોડ પર ઘંટેશ્વર પાર્ક નજીક થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મિતાલીબેન કેસરિયાનું અઢી મહિના સુધી સારવાર બાદ હેમરેજના કારણે મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજે સમાજના આગેવાનો અને લોકોએ ત્રિકોણબાગથી રાજકોટ મહાનગરપાલિકા કચેરી સુધી રેલી યોજી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

માસૂમ બાળકના હાથે નાયબ કમિશનરને અપાયું આવેદનપત્ર

રેલી દરમિયાન ભાવુક દૃશ્યો સર્જાયા હતા. મૃતક મિતાલીબેનનાં માતા અંજનાબેન પોતાની દીકરીને યાદ કરીને ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં અને ન્યાયની માગણી કરી હતી. બીજી તરફ, માતાની મમતા ગુમાવનાર માસૂમ બાળકના હસ્તે મહાનગરપાલિકાના નાયબ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મૃતકનાં માતા અંજનાબેને જણાવ્યું હતું કે, “સરકારની બેદરકારીને કારણે બીજી કોઈની દીકરી સાથે આવું ન થવું જોઈએ. મારી દીકરીને ન્યાય મળે અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થાય તેવી અમારી માગણી છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાતમ-આઠમના તહેવાર દરમિયાન રાત્રે બાળક ઊંઘી ગયા બાદ મિતાલીબેન અને તેમના પતિ જમવા માટે બહાર નીકળ્યાં હતાં. તે દરમિયાન રસ્તા પર આવેલી જોખમી ડ્રેનેજની કુંડી સાથે તેમનું વાહન અથડાયું હતું. અકસ્માતમાં મિતાલીબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સ્થળે કોઈ બેનર કે ડાયવર્ઝનનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે, મિતાલીબેન અઢી મહિના સુધી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં, તેમ છતાં મહાનગરપાલિકાનો એક પણ અધિકારી તેમની ખબર લેવા આવ્યો નહોતો. પોતાના પૌત્રના ભવિષ્યને સુરક્ષિત કરવા અને દીકરીને ન્યાય અપાવવા તેમણે તંત્ર સમક્ષ માગણી કરી હતી.

રઘુવંશી સમાજનો આક્ષેપ: આ મોતની કુંડી છે

રઘુવંશી યુવા શક્તિ સંઘના આગેવાન કે.ડી. રઘુવંશીએ જણાવ્યું હતું કે, 6 સપ્ટેમ્બરના રોજ મિતાલીબેન કેસરિયા 150 ફૂટ રિંગ રોડ પર ઘંટેશ્વર પાર્ક પાસે આવેલી જોખમી ડ્રેનેજની કુંડી સાથે અથડાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

તેમણે આ ઘટના માટે મહાનગરપાલિકાના તંત્રની બેદરકારીને જવાબદાર ગણાવી હતી. વોર્ડ નંબર-1ના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી. આ મામલે જવાબદાર લોકોનાં નામ જાહેર કરવામાં આવે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.

નાયબ કમિશનરે સ્વીકારી જવાબદારીની વાત

આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે, એસઆરપી કેમ્પથી રિંગ રોડ-2ને જોડતા રસ્તા પર દંપતીનો અકસ્માત થયો હતો, જેમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોન્ટ્રાક્ટર, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી અને સાઇટ પર સુપરવિઝનની જવાબદારી સંભાળતા મહાનગરપાલિકાના કર્મચારીઓની જવાબદારી બને છે. ડ્રેનેજનું ઢાંકણું રોડ પર હોત તો તાત્કાલિક કાર્યવાહી થઈ શકી હોત, પરંતુ આ ઢાંકણું ડામરની નીચે હતું. તેમ છતાં કોન્ટ્રાક્ટર એજન્સીને નોટિસ આપવામાં આવી છે અને તપાસમાં જે પણ કસૂરવાર જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

શું હતી સમગ્ર ઘટના?

ગત 6 સપ્ટેમ્બરના રોજ રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલા ડી.પી. રોડ પર ગ્રીન લીફ ગાર્ડનના ગેટ નજીક ગંભીર મોટરસાઇકલ અકસ્માત સર્જાયો હતો. અહીં ડામર રોડની બાજુમાં ભૂગર્ભ ગટરની કોંક્રિટની કુંડી એટલે કે ડ્રેનેજ ચેમ્બર રોડના લેવલથી ઊંચી રહી ગઈ હતી. રસ્તાની બાજુમાં જોખમી રીતે બહાર નીકળેલી આ કુંડી સાથે ટુ-વ્હીલર અથડાતાં મિતાલીબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અઢી મહિના સુધી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાધા બાદ તેમનું મોત નીપજ્યું હતું.

બે એજન્સીને શોકોઝ નોટિસ, દસ્તાવેજી પુરાવા સાથે ખુલાસો માગ્યો

આ ઘટનાને પગલે રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન સિટી ઈજનેર દ્વારા સંબંધિત એજન્સીઓને નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં જણાવ્યા મુજબ, એજન્સી દ્વારા મંજૂર થયેલા ડી.પી. રોડના સંપૂર્ણ કેરેજ વેના બદલે ઘટાડેલા કેરેજ વે સાથે રસ્તો બનાવવામાં આવ્યો હતો અને તેને આશરે ચાર મીટરના હયાત ડામર રોડ સાથે જોડવામાં આવ્યો હતો.

તંત્રના પ્રાથમિક તારણ મુજબ, અકસ્માત સ્થળે જરૂરી સલામતીનાં પગલાં પૂરતા પ્રમાણમાં લેવામાં આવ્યાં ન હોવાનું જણાયું છે. આ મામલે પવન કન્સ્ટ્રક્શન અને એસ.આર.ડી. એજન્સીને દસ્તાવેજી પુરાવા સાથે શોકોઝ નોટિસ પાઠવી લેખિત ખુલાસો રજૂ કરવા જણાવાયું છે.

બંને એજન્સીઓના ખુલાસા અને દસ્તાવેજોની તપાસ બાદ મહાનગરપાલિકા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

હાલ સમગ્ર મામલે એક જ સવાલ ઊભો થયો છે કે રસ્તા પરની કથિત બેદરકારીના કારણે એક પરિવારને માતા-દીકરીનો સાથ ગુમાવવો પડ્યો છે, ત્યારે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ક્યારે અને કેવી કાર્યવાહી થશે? રાજકોટ મહાનગરપાલિકાની તપાસ અને આગામી પગલાં પર હવે સૌની નજર છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score