ટેલિકોમ બાદ જ્યોતિષ ક્ષેત્રમાં Jioની એન્ટ્રી, લોન્ચ કર્યું AI આધારિત JioAstro એ

By: Nation Gujarat Team
25 Nov, 2026

ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિ લાવ્યા બાદ હવે રિલાયન્સ જિયો જ્યોતિષ ક્ષેત્રમાં પણ પોતાની નવી શરૂઆત કરી રહ્યું છે. કંપનીની પેરેન્ટ કંપની Jio Platforms Limited દ્વારા JioAstro નામની નવી વૈદિક જ્યોતિષ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અને યુઝર્સ તેને મફતમાં ડાઉનલોડ કરી શકે છે. આ એપમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને પરંપરાગત વૈદિક જ્યોતિષ ગણનાઓનો સમન્વય કરવામાં આવ્યો છે.

JioAstro એપ શું છે અને કેવી રીતે કામ કરે છે?

JioAstro એક AI આધારિત વૈદિક જ્યોતિષ એપ છે, જે સામાન્ય રાશિફળથી આગળ વધીને યુઝર્સની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળના આધારે વ્યક્તિગત જન્મકુંડળીનું વિશ્લેષણ કરે છે. આ એપમાં યુઝર્સ AI જ્યોતિષી સાથે વાતચીત કરીને પોતાની કુંડળી, ગ્રહોની સ્થિતિ અને વિવિધ જ્યોતિષીય બાબતો અંગે પ્રશ્નો પૂછી શકે છે.

કંપનીના જણાવ્યા અનુસાર, એપમાં પરંપરાગત વૈદિક જ્યોતિષ ગણનાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને મનઘડંત અથવા ડરાવનારી ભવિષ્યવાણીઓ કરવાને બદલે શાસ્ત્રીય ગણતરીઓના આધારે માહિતી આપવામાં આવે છે.

ગુજરાતી સહિત અનેક ભાષાઓમાં AI જ્યોતિષી સાથે વાતચીત

JioAstro એપની ખાસિયત એ છે કે યુઝર્સ અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી સહિતની ભાષાઓમાં AI જ્યોતિષી સાથે વાતચીત કરી શકે છે. યુઝર્સ પોતાના ગ્રહોની સ્થિતિ, હાલની દશા અને કુંડળી સંબંધિત વિવિધ પ્રશ્નોના જવાબ મેળવી શકે છે.

આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી બની શકે છે, જેઓ જ્યોતિષ સંબંધિત માહિતી પોતાની ભાષામાં સમજવા માંગે છે.

જન્મકુંડળી, નવાંશ કુંડળી અને દોષનું વિશ્લેષણ

JioAstro એપમાં ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય બંને પ્રકારની કુંડળી જોવાની સુવિધા આપવામાં આવી છે. તેમાં લગ્ન કુંડળી અને નવાંશ કુંડળીનો પણ સમાવેશ થાય છે.

એપ 40થી વધુ જ્યોતિષીય યોગોની ઓળખ કરી શકે છે. આ ઉપરાંત માંગલિક દોષ, કાલસર્પ દોષ, પિતૃ દોષ અને ગ્રહણ દોષ જેવા વિવિધ જ્યોતિષીય દોષોનું વિશ્લેષણ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

દૈનિક રાશિફળ, શુભ રંગ અને લકી નંબર પણ મળશે

JioAstro એપમાં યુઝર્સ પોતાની જન્મકુંડળીના આધારે દૈનિક રાશિફળ મેળવી શકે છે. આ ઉપરાંત શુભ રંગ, લકી નંબર અને કારકિર્દી તથા સ્વાસ્થ્ય સંબંધિત લાઇફ સ્નેપશોટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

એપમાં રોજિંદા પંચાંગ, શુભ મુહૂર્ત અને વાર્ષિક વર્ષફળની માહિતી પણ ઉપલબ્ધ છે. યુઝર્સ વાર્ષિક વર્ષફળ સહિત કેટલીક રિપોર્ટ PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકે છે.

પરિવારના ચાર સભ્યોની કુંડળી પણ ઉમેરવાની સુવિધા

JioAstro એપમાં યુઝર્સ પોતાના ઉપરાંત પરિવારના ચાર સભ્યોના પ્રોફાઇલ પણ ઉમેરવાની સુવિધા મેળવી શકે છે. આથી એક જ એપમાં પરિવારના સભ્યોની જન્મકુંડળી અને જ્યોતિષ સંબંધિત માહિતી જોઈ શકાય છે.

યુઝર્સના જન્મ ડેટાની પ્રાઇવસી પર ભાર

કંપનીએ યુઝર્સની પ્રાઇવસી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જન્મ સંબંધિત ડેટા એન્ક્રિપ્ટેડ રાખવાની વાત કરી છે. એપમાં જ્યોતિષીય માર્ગદર્શન માટે કોઈ મોંઘા પ્રોડક્ટ ખરીદવા દબાણ કરવામાં આવતું નથી એવો પણ અહેવાલોમાં ઉલ્લેખ છે.

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ એપ માત્ર માર્ગદર્શન માટે છે અને તેને તબીબી, કાનૂની કે નાણાકીય સલાહના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવી જોઈએ નહીં.

JioAstro એપ ક્યાંથી ડાઉનલોડ કરવી?

JioAstro એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. AI ટેક્નોલોજી અને વૈદિક જ્યોતિષના સંયોજન સાથે રજૂ કરવામાં આવેલી આ એપ જ્યોતિષ ક્ષેત્રમાં ડિજિટલ અનુભવને નવી દિશા આપવાનો પ્રયાસ છે.

રિલાયન્સ જિયો હવે ટેલિકોમ અને ડિજિટલ સેવાઓ ઉપરાંત AI આધારિત નવી સેવાઓમાં પણ પોતાની હાજરી વિસ્તારી રહ્યું છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score